પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રાષ્ટ્રીય શિક્ષણ સમાગમને સંબોધિત કર્યું
વારાણસી,તા.૭
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રાષ્ટ્રીય શિક્ષણ સમાગમને સંબોધિત કરતા કહ્યુ કે, આજની દુનિયા પરિણામની સાથે પ્રમાણ પણ માંગે છે. આપણે આપણી શિક્ષણ વ્યવસ્થાને તે પ્રમાણે તૈયાર કરવી પડશે કે દુનિયા આપણી વસ્તુનો સ્વીકાર કરે અને તેનું મહત્વ સ્વીકારે. ખાસ કરીને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું- જો આપણે આયુર્વેદની વાત કરીએ તો આપણે ભલે તેમાં આગળ છીએ અને તેના પરિણામ પણ મળે છે, પરંતુ પ્રમાણ મળતા નથી. આપણી પાસે ડેટા બેસ હોવો જોઈએ. આપણે ભાવનાઓના આધાર પર દુનિયા ન બદલી શકીએ. આ કારણ છે કે પરિણામની સાથે પ્રમાણની પણ જરૂર છે. તેમણે કહ્યું કે, તેથી યુનિવર્સિટીઓએ તેના પર કામ કરવું જોઈએ કે પરિણામ છે તો પછી પ્રમાણ શોધવામાં આવે. સમૃદ્ધ દેશ પણ તે વાતને લઈને પરેશાન છે કે તેની વસ્તીમાં મોટો ભાગ વૃદ્ધોનો છે. આજે આપણો દેશ યુવા છે અને ક્યારેક તેવો સમય અહીં પણ આવી શકે છે. શું દુનિયામાં હજુ કોઈ છે, જે તેના પર કામ કરી રહ્યું છે. તેના પર આપણે વિચારવુ જોઈએ. આ ભવિષ્યનો વિચાર છે અને આ ફ્યૂચર રેડી વિચાર છે જે સારા શિક્ષણનો પાયો છે. પીએમ મોદીએ કહ્યુ કે જો આપણે આ પેટર્ન પર કામ કરીએ તો પછી મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી શકે છે. તે માટે આપણે પોતાની એજ્યુકેશન સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પ્રમાણે તૈયાર કરવી પડશે. પોતાના સંસદીય ક્ષેત્ર પહોંચેલા પીએમ મોદીએ કહ્યુ કે, ભારતમાં જે વસ્તુની કલ્પના કરવામાં આવતી નહોતી, તે કામ પણ અમે કર્યા છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થામાં એક છે. દેશની ગતિ જ્યારે આવી હોય તો પછી આપણે યુવાઓને પણ ખુલી ઉડાન માટે ઉર્જાથી ભરવા પડશે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં બાળકોને તેની પ્રતિભા અને સ્કિલના આધાર પર તૈયાર કરવા પર ભાર આપ્યો છે. દેશમાં ઝડપથી આવી રહેલા પરિવર્તન વચ્ચે શિક્ષણ વ્યવસ્થા અને તેની સાથે જોડાયેલા લોકોની ભૂમિકા મહત્વની છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિચારવુ પડશે કે શું આપણે ફ્યૂચર રેડી છીએ. વિશ્વ વિદ્યાલયોએ તે જાણવું જરૂરી છે કે દુનિયામાં શું થઈ રહ્યું છે. તમારે વર્તમાનને સંભાળવાનું છે, પરંતુ ભવિષ્ય પ્રમાણે પણ વિચારવું પડશે. તેમણે કહ્યું કે, ઘણીવાર બાળકો સવાલ પૂછે છે તો અધ્યાપક કહે છે કે શું માથુ ખાઈ રહ્યો છે, હકીકતમાં તે માથુ ખાતો નથી પરંતુ સર જવાબ આપી શકતા નથી. આજના બાળકો ગૂગલની સાથે ઘણી જાણકારી પણ રાખવા લાગ્યા છે. ભવિષ્યમાં જ્યારે બાળકો યુનિવર્સિટીમાં જશે તો આપણે તેના સવાલોના જવાબ માટે તૈયાર રહેવું પડશે. તેથી જરૂરી છે કે આપણે ભવિષ્યને જાણીએ અને ખુદને વિકસિત કરીએ.પીએમ મોદીએ કહ્યું કે આ સભા આજે એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. અમૃત કાળમાં દેશના અમૃત સંકલ્પોને પૂરા કરવાની મોટી જવાબદારી આપણી શિક્ષણ પ્રણાલી અને યુવા પેઢીની છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અખિલ ભારતીય શિક્ષા સમાગમનો આ કાર્યક્રમ એ પવિત્ર ભૂમિ પર યોજાઈ રહ્યો છે. જ્યાં આઝાદી પહેલા દેશની આવી મહત્વપૂર્ણ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે કાશીને મોક્ષની નગરી પણ કહેવામાં આવે છે કારણ કે મુક્તિનો એકમાત્ર રસ્તો જ્ઞાન માનવામાં આવ્યો છે. તેથી શિક્ષણ અને સંશોધનનું મંથન, વિદ્યા અને બોધનું મંથન, જ્યારે સર્વ વિદ્યાના મુખ્ય કેન્દ્ર કાશી દેશને એક નવી દિશા જરૂર આપશે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુખ્ય આધાર શિક્ષણને સંકુચિત વિચારના દાયરામાંથી બહાર કાઢવાનો અને તેને ૨૧મી સદીના વિચારો સાથે જોડવાનો છે. આપણા દેશમાં પ્રતિભાની ખોટ કદી રહી નથી પરંતુ કમનસીબે, અમને એક પદ્ધતિ આપવામાં આવી હતી જેમાં શિક્ષણનો અર્થ નોકરી માનવામાં આવતો હતો.મોદીએ કહ્યું કે, આઝાદી બાદ શિક્ષણ નીતિમાં થોડો ફેરફાર થયો, પરંતુ એક મોટું પરિવર્તન બાકી રહ્યું. બ્રિટિશ પ્રણાલી ક્યારેય ભારતની મૂળભૂત પ્રકૃતિનો ભાગ ન હતી અને ન હોઈ શકે.