ગુજરાતમાં અમદાવાદથી વલસાડ સુધી વરસાદે જનજીવન ખોરવ્યું

9

દેશના અનેક રાજ્યોમાં વરસાદ કહેર બનીને વરસ્યો : અતિ વરસાદવાળા વિસ્તારોમાં દ્ગડ્ઢઇહ્લની ૧૩ ટીમો, જીડ્ઢઇહ્લની ૧૬ ટીમો તૈનાત : સ્ટેટ હાઈવે તથા પંચાયતી હાઈવે સહિતના ૩૮૮ રસ્તાઓ બંધ
અમદાવાદ, તા.૧૧
દેશના અનેક રાજ્યોમાં વરસાદ કહેર બનીને વરસ્યો છે. ગુજરાતથી હિમાચલ પ્રદેશ સુધીના અનેક રાજ્યોમાં વરસાદના કારણે પૂર અને લેન્ડસ્લાઈડની ઘટનાઓ જોવા મળી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદ તૂટી પડવાના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને ભારે મોટી તારાજી થઈ છે. લેન્ડસ્લાઈડના કારણે ઉત્તરાખંડના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. દેશના મેદાની વિસ્તારોથી શરૂ કરીને પહાડી વિસ્તારો સુધીના અનેક ક્ષેત્રોમાં આખો દિવસ અનરાધાર વરસાદ તૂટી પડવાના કારણે તથા નદીઓમાં પાણીના વહેણના કારણે ગામડાંઓ ઉપરાંત શહેરોમાં પણ પૂરની સ્થિતિ પ્રવર્તી છે. રાજ્યમાં અતિ વરસાદવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ૧૩ ટીમો, એસડીઆરએફની ૧૬ ટીમો તૈનાત કરવામાં આવી છે. એસડીઆરએફની એક ટીમ છોટા ઉદયપુરમાં પણ તૈનાત કરી દેવાઈ છે. દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસવાના કારણે સ્ટેટ હાઈવે તથા પંચાયતી હાઈવે સહિતના ૩૮૮ રસ્તાઓ બંધ છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે શહેરમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંજના સમયથી શરૂ થયેલા મેઘ તાંડવના કારણે અમદાવાદ સરોવરમાં ફેરવાઈ ગયું હોવાનું જણાઈ રહ્યું હતું. અમદાવાદમાં રવિવારે રાતના ૧૦ઃ૦૦ વાગ્યાથી સવાર સુધીમાં બચાવ કામગીરી માટે ૧૨ જેટલા કોલ નોંધાયા હતા. જ્યારે ફાયર વિભાગને પણ ૭ કોલ આવ્યા હતા. બચાવકર્મીઓએ ટોટલ ૧૦૦ લોકોને પાણીમાંથી સલામત સ્થળોએ ખસેડ્યા હતા. અમદાવાદમાં ભારે વરસાદ બાદ સોમવારે સવારે પણ દાણીલીમડા ગામ, સિંધુ ભવન રોડ વિસ્તાર, ઈસ્કોન બ્રિજથી બોપલ જવાના રસ્તા પર, ઘુમા, આંબલી, ગોમતીપુરની ચાલીઓ સહિતના વિસ્તારોમાં ૨-૩ ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. વરસાદના કારણે લોકોના ઘરોમાં અને નીચાણવાળી કે બેઝમેન્ટની દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક ઠેકાણે વરસાદમાં ફસાયેલા લોકો તેમના વાહનો રસ્તા પર જ છોડીને સલામત સ્થળે દોડી ગયા હતા જેથી વહેલી સવારે રસ્તાઓ પર ભરાયેલા પાણી વચ્ચે વાહનોનો જમાવડો જોવા મળ્યો હતો. અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળ તૂટવાના કારણે વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં તથા આસપાસના વિસ્તારોમાં ભારે પાણી ભરાયું હતું. બેઝમેન્ટમાં ભારે પાણી ભરાવાના કારણે ફોર વ્હીલર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રવિવારે આશરે ૧,૫૦૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં આગામી ૫ દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેકઠેકાણે પાણી ભરાયા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનવા સંસદ ભવનમાં ૬.૫ મીટર ઊંચા રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ