મહિલા રોબોટનું નામ વ્યોમ મિત્રા રાખવામાં આવ્યું છે
નવી દિલ્હી, તા.૧૧
ભારતના મિશન ગગનયાનની સંપૂર્ણ યોજના બહાર આવી છે. આ યોજના અનુસાર, ગગનયાનનું પ્રથમ ટ્રાયલ ખાલી રહેશે જ્યારે બીજા ટ્રાયલમાં મહિલા રોબોટ મોકલવામાં આવશે. આ બંને ટ્રાયલ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. બંને ટ્રાયલના આધારે ત્રીજી ટ્રાયલ થશે જેમાં બે લોકોને અવકાશમાં મોકલવામાં આવશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહે મિશન ગગનયાનની યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, બીજા ટ્રાયલમાં જે મહિલા રોબોટને મોકલવામાં આવશે તેનું નામ વ્યોમ મિત્રા રાખવામાં આવ્યું છે. આ રોબોટ ઈસરોએ ડેવલોપ કર્યો છે. આ પહેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આ ભારતનું એકમાત્ર અંતરિક્ષ મિશન છે. ગગનયાન સ્પેસ ફ્લાઇટ મિશન હેઠળ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે. જેની પ્રથમ ટેસ્ટ ૨૦૨૨ના મધ્યમાં યોજાશે. પ્રથમ તબક્કામાં, ગગનયાનનું માનવરહિત મિશન ય્૧ હશે. આ પછી ૨૦૨૨ના અંતમાં વ્યોમ મિત્ર નામનો રોબોટ મોકલવામાં આવશે. જિતેન્દ્ર સિંહે વધુમાં કહ્યું કે, આ ગગનયાન પ્રક્ષેપણ માટે ૫૦૦થી વધુ ઉદ્યોગો સામેલ છે. આ માટે કેટલાક રિસર્ચ મોડ્યુલ પણ બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્ષ ૨૦૧૮માં એક ભાષણમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં કોઈપણ ભારતીય અવકાશયાત્રી ભારતમાં ગગનયાનમાં યાત્રા કરી શકશે. કેન્દ્ર સરકારે ગગનયાન પ્રોજેક્ટ માટે ૧૦ હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે. ગગનયાન મિશન હેઠળ, ૈંજીર્ઇં અવકાશયાત્રીઓને પૃથ્વીથી ૪૦૦ કિમી ઉપર અવકાશમાં ૭ દિવસની મુસાફરી કરાવશે. ભારતીય વાયુસેનાના ચાર પાયલટોએ રશિયાના ગાગરીન કોસ્મોનૉટ્સ ટ્રેનિંગ સેન્ટરમાં ગગનયાન માટે તેમની તાલીમ પૂર્ણ કરી છે. તેઓને મોસ્કો નજીક આવેલા જ્યોજની શહેરમાં સ્થિત રશિયન સ્પેસ ટ્રેનિંગ સેન્ટરમાં અવકાશયાત્રી બનવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેઓ ગગનૌત કહેવાશે. આ ચાર ગગનૌટ્સમાં ભારતીય વાયુસેનાના એક ગ્રુપ કેપ્ટન છે જેમણે તેમની તાલીમ પૂર્ણ કરી છે જ્યારે ત્રણ વિંગ કમાન્ડર છે. હાલમાં, તેઓને બેંગ્લોરમાં ગગનયાન મોડ્યુલમાં ટ્રેનિંગ આપવામાં આવશે.