કોર્ટની અવમાનના બદલ ભાગેડુ વિજય માલ્યાને ૪ માસની કેદ

13

કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા ૪૦ મિલિયન ડોલર ૪ અઠવાડિયામાં ચૂકવવા આદેશ આપ્યો
નવી દિલ્હી, તા.૧૧
સુપ્રીમ કોર્ટે ભાગેડુ વિજય માલ્યાને અવમાનના કેસમાં ૪ મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે માલ્યા પર ૨૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. જો દંડ નહીં ચુકવે તો ૨ મહિનાની વધારાની સજા કરવામાં આવશે. એટલું જ નહીં, કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા ૪૦ મિલિયન ડોલર ૪ અઠવાડિયામાં ચૂકવવાનો આદેશ આપ્યો છે જો નહીં કરે તો સંપત્તિ જપ્ત કરાશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બનેલી ૩ જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. હકીકતમાં ભારતીય સ્ટેટ બેંક ઓફે વિજય માલ્યા વિરૂદ્ધ કોર્ટના આદેશ છતાં બાકી રકમ ન ચૂકવવા બદલ અરજી દાખલ કરી હતી.કોર્ટે ૧૦ માર્ચે માલ્યાની સજા પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૫ વર્ષ પહેલા ૯ મે ૨૦૧૭ના રોજ વિજય માલ્યાને કોર્ટના આદેશની અવમાનના માટે દોષિત ઠેરવતા તેની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. હકીકતમાં વિજય માલ્યાએ પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો બેંકો અને સંબંધિત અધિકારીઓને આપી નહોતી. સાથે જ તેણે તેમની પાસેથી કરોડો અબજોની લોન લીધી હતી. આ મામલે બેંકો અને ઓથોરિટીઝનો પક્ષ સાંભ્યા બાદ સુપ્રીમ કોર્ટે ૧૦ જુલાઈ ૨૦૧૭ના રોજ આદેશ આપ્યો હતો કે વિજય માલ્યા સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખવા માટે હાજર રહે.કોર્ટે કહ્યું હતું કે માલ્યા બ્રિટનમાં એક આઝાદ વ્યક્તિની જેમ રહે છે પરંતુ ત્યાં તે શું કરી રહ્યો છે તે અંગે કોઈ જાણકારી સામે આવી રહી નથી. સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા નિયુક્ત વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ બેન્ચને જણાવ્યું હતું કે, માલ્યાને ૨ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. પહેલો સંપત્તિ જાહેર ન કરવી અને બીજો કર્ણાટક હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવું. સુપ્રીમ કોર્ટે માલ્યાને અદાલતના આદેશનું ઉલ્લંઘન કરીને પોતાના બાળકોને અઘોષિત ખાનગી સંપત્તિમાંથી ૪ કરોડ ડોલરની રકમ ટ્રાન્સફર કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. તે સમયે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, માલ્યાની ગેરહાજરીમાં જ સજાનો મુદ્દો આગળ વધારવામાં આવશે.

Previous articleગગનયાનના બીજા ટ્રાયલમાં મહિલા રોબોટ મોકલાશે
Next articleભાવનગરમાં આજે રેડ એલર્ટ