શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના : વહિવટી તંત્ર એલર્ટ, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર થયું સજ્જ- મિટીંગોનો દોર
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહીના પગલે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓની સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે હળવો-ભારે વરસાદ પડી રહ્યો છે. ભાવનગરમાં આજે ઓરેન્જ ઝોન છે ત્યારે આવતીકાલે અતિભારે વરસાદ પડવાની સંભાવનાને લઇને રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. ગઇકાલે સોમવારે પણ ગોહિલવાડ પંથકમાં અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં રાત્રે પણ વરસાદના હળવા-ભારે ઝાપટા શરૂ રહ્યાં હતાં. જ્યારે આજે પણ વરસાદી માહોલ યથાવત છે. બીજી બાજુ આજે મંગળવારે સવારે ઉમરાળા પંથકમાં એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડતા સર્વત્ર પાણી ભરાઇ જવા પામ્યા છે.
પાંચ દિવસના ભારેથી અતિભારે વરસાદની આગાહીના સતત ત્રણ દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં હળવો-ભારે વરસાદ પડી રહ્યો છે. આજે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી જોઇએ તો સૌથી વધુ ઉમરાળા પંથકમાં ૬૫ મીમી, વલ્લભીપુરમાં ૪૭ મીમી, ભાવનગર ૩૯ મીમી, સિહોરમાં ૩૬, પાલિતાણામાં ૩૩, જેસરમાં ૧૮, મહુવામાં ૧૭, તળાજામાં ૧૮, ઘોઘામાં ૧૬ તેમજ ગારિયાધાર પંથકમાં ૮ મીમી વરસાદ નોંધાયો છે. આમ ભાવનગર, સિહોર અને પાલિતાણા પંથકમાં દોઢ ઇંચ અને વલ્લભીપુર પંથકમાં બે ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેર તથા ગ્રામ્ય પંથકમાં પડી રહેલા વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામેલ. આ ઉપરાંત રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતાં. પાલિતાણામાં પડેલા વરસાદથી મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યા હતાં. જ્યારે મહુવા પંથકમાં પણ વાસીતળાવ સહિત વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતાં. આ ઉપરાંત તળાજાના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયેલ. ઉમરાળા પંથકમાં આજે સવારે પડેલા વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ જવા પામેલ. ભાવનગર શહેર અને જિલ્લામાં પડી રહેલા વરસાદના પગલે નદી-તળાવ તેમજ ચેકડેમમાં નવા નીરની આવક થઇ રહી છે. જો કે, સમગ્ર પંથકમાં પડી રહેલ ધીમી ધારના વરસાદથી જગતનો તાત ખુશ-ખુશાલ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં પણ વરસાદના જોરદાર ઝાપટાથી રસ્તા ઉપર પાણી ભરાઇ જવા ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. કુંભારવાડા વિસ્તારમાં તેમજ રેલ્વે અન્ડરબ્રિજમાં પાણી ભરાઇ જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.