મોદી ૧૫ જુલાઈએ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવવાના હતા, મુર્મૂ કેવડીયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળવાના હતા
ગાંધીનગર,તા.૧૨
ગુજરાતમાં મેઘ તારાજી સર્જાઈ છે. અનેક વિસ્તારો પાણીડૂબ થયા છે. ત્યારે પીએમ મોદીનો એકદિવસીય ગુજરાત પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. તેઓ ૧૫ જુલાઈએ ગુજરાત આવવાના હતા. ત્યારે ભારે વરસાદની આગાહી અને પૂરગ્રસ્ત સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે તો બીજી તરફ, એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો ગુજરાત પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે દ્રૌપદી મુર્મૂનોઆવતીકાલનો ગુજરાત પ્રવાસ મોકૂફ કરાયો છે. દ્રૌપદી મુર્મૂ કેવડીયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળવાના હતા. તેમની મુલાકાતને પગલે કેવડિયામાં આદિવાસી સન્માન સંમેલનનું પણ આયોજન કરાયુ હતું. પરંતુ ગઈકાલે નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ૧૫ જુલાઈએ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવવાના હતા. તેઓ સવારે હિંમતનગરમાં સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના હતા. તેમજ સાબર ડેરીના કાર્યક્રમમાં જનસભાને સંબોધન કરવાના હતા. પરંતુ હાલ તેમના આ કાર્યક્રમ પર રોક લાગી છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે મહેસૂલ મંત્રીએ સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં એસઈઓસીથી મહેસૂલ મંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લાઓની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી તાગ મેળવ્યો. તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં ગઈકાલ કરતા આજે વરસાદનુ જોર ઘટયું છે. રાજકોટ, જામનગર, કચ્છમાં આવતીકાલે રેડ એલર્ટ છે. આજ સાંજ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર સર્વે શરૂ કરશે. એનડીઆરએફ- એસડીઆરએફની ૧૮-૧૮ ટીમ તૈનાત કરાઈ છે. અત્યાર સુધીમાં ૫૧૧ લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા છે. નર્મદામાં કરજણ નદીના પટમાં ૨૧ લોકોને એનડીઆરએફએ બચાવ્યા છે. ભારે વરસાદથી ૨૭,૮૯૬ લોકોનું સ્થળાંતર કરવું પડયું છે. હાલમાં એસટીના ૧૪૬૧૦ માંથી ફક્ત ૭૩ રૂટ બંધ છે. અત્યાર સુધી વીજળી પડવાથી ૩૩ લોકોના મોત થયા છે. વરસાદથી અત્યાર સુધી કુલ ૬૯ લોકોના મોત થયા છે.