૭૦૦ જેટલા પશુઓને નર્કાગારમાંથી મુક્ત કરાયા બાદ તંત્ર હરકતમાં : કમિશનરે દોડી જઇ મુલાકાત લીધી, તાકિદે ઢોરવાડાની સ્થિતિ સુધારવા કર્યો આદેશ
ભાવનગર મહાપાલિકાએ રખડતા ઢોર પકડીને ઢોરવાડે પુર્યાં બાદ તેની લેશમાત્ર દરકાર ન હોય તેમ નર્કાગાર સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ વરસાદમાં પશુઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે અને તેના વીડિયો તથા ફોટો જે સામે આવ્યાં છે તે દર્દનાક છે. આ મામલે જીવદયાપ્રેમીઓએ તંત્રને જગાડવા કરેલો પ્રયાસ નાકામ રહ્યો હતો. આખરે ગત રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બાલા હનુમાન પાસે આવેલ કોર્પોરેશનના ઢોરવાડામાંથી પશુઓને મુક્ત કરી દીધા હતાં જેના કારણે ૭૦૦ જેટલા પશુઓ ફરી શહેરના રસ્તે રખડતા થયા છે. આખરે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને આજે ખુદ ઇન્ચાર્જ કમિશનરે દોડી જઇ ઢોરવાડાની સ્થિતિ સુધારવા કામ શરૂ કરાવ્યું હતું.પશુઓને જાણે જીવવાનો અધિકાર જ નથી તે રીતે ઢોરવાડાની સ્થિતિ જોવા મળી હતી. કાદવ-કિચડથી ખદબદતા પશુઓના ડબ્બામાં ગાયો તથા ગૌવંશ કણસી કણસીને મોતના મુખમાં ધકેલાયા છે. જીવદયાપ્રેમીઓએ આ સમગ્ર બાબત ઉજાગર કરી હતી. તેમજ વીડિયો અને ફોટા જાહેર કર્યાં છે તે જોતા પશુઓની સ્થિતિ દર્દનાક હોવાનું જણાતું હતું તેમ છતાં પશુ નિયંત્રણની જવાબદારી સંભાળતા પશુ ડોક્ટર મહેશભાઇ હિરપરાએ જાણે કે આંખ આડા કાન કરી લીધા હોવાની લોકમુખે ચર્ચા હતી. ગત રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઢોરવાડે જઇને દર્દનાક સ્થિતિમાંથી પશુઓને મુક્ત કર્યાં હતાં. દરમિયાનમાં લોકરોષ પારખીને આજે પશુ ડોક્ટર મહેશભાઇ હિરપરા ઢોરના ડબ્બે દોડી ગયા હતા. જ્યારે ઇન્ચાર્જ કમિશનર નિરગુડે પણ સ્થળ પર દોડી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જીવદયાપ્રેમીઓની રજૂઆતમાં કમિશનરને તથ્ય લાગતા તેમણે ઢોરવાડાની નર્કાગાર સ્થિતિને સુધારવા તાકિદ કરી કામ શરૂ કરાવ્યું હતું.પશુ નિયંત્રણ વિભાગના અધિકારી ડો.મહેશભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે, પશુઓને ઢોરવાડામાંથી જાહેરમાં છોડી દેવાના મામલે કમિશનરની સુચના મુજબ કાર્યવાહી થશે. હાલ પ્રાથમિક તબક્કે પશુના ડબ્બાને કાદવ-કિચડ મુક્ત કરાવવા કામગીરી હાથ ધરવા આદેશ મળ્યો છે.