કોર્પોરેશને કરોડો રૂપિયાનો રોડમાં ખર્ચો કર્યો છતાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ બિસ્માર થતા પ્રજાની વેદનાનો પડઘો પાડતી આમ આદમી પાર્ટી
ચોમાસુ અસલ મિઝાજમાં છે ત્યારે કોર્પોરેશને બનાવેલા ડામર રોડ જાક ઝીલી શક્યા નથી જે ભ્રષ્ટાચાર થયાનું પુરવાર કરે છે. શહેરમાં જેમ બાકડાઓ પર કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદના નામ લખવામાં આવે છે તેમ રોડના ખાડાઓમાં પણ ‘આ ખાડો, આ નેતાનો’ તેમ લખવા લોકોએ સોશિયલ મીડિયામાં પણ કોમેન્ટનો મારો ચલાવ્યો છે તેનાથી લોકોમાં રહેલો રોષ પ્રદર્શિત થાય છે. આ સમયે આમ આદમી પાર્ટીએ મોકો ઝડપી ગઇકાલે શહેરના લીલાસર્કલ પાસે ભાજપના જુદા જુદા નેતાઓના ફોટાને રોડના ખાડામાં પુરી તેના પર કપચી નાખી અનોખો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરી રોડ પાછળ જ વિકાસ કરવા છતાં ચોમાસાના પ્રારંભે જ શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર થઇ ગયા છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારે સાંજે લીલા સર્કલ ખાતે મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યના ફોટા સાથેના બોર્ડને રોડના ખાડામાં નાખી તેના પર કપથી રોડના ખાડા પૂરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભાવનગર મહાનગરને ફાળવવામાં આવતી વિકાસ ગ્રાન્ટ પૈકી તે મોટી રકમ રોડ માટે ખર્ચ કરવામાં આવે છે. પરંતુ પ્રથમ વરસાદે જ રોડના કામમાં દબાયેલી બેદરકારી અને ભ્રષ્ટાચાર મોટા મોટા ખાડા અને ઉબડખાબડ રોડ દ્વારા બહાર આવ્યો છે. દર વર્ષે શહેરના રોડની આવી જ હાલત હોવા છતાં શાસકો દ્વારા આવકારદાયક કામગીરી કરવામાં આવતી નથી. અને પુનઃ રોડ પર રોડ બનાવવા માટે ગ્રાન્ટમાંથી ખર્ચ કરાય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ કરેલો વિરોધ અસરકારક રહ્યો હતો. જો કે, આગામી ચૂંટણીને ધ્યાને લઇ વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષો પ્રજાના પ્રશ્ને સક્રિય થયા છે તે પણ હકિકત છે !