સંક્રમિતોના સંપર્કમાં આવેલા ૯૮ લોકોને શંકાસ્પદ માનીને ઘાનામાં ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા
નવી દિલ્હી, તા.૧૮
દુનિયામાંથી કોરોના વાયરસ ફેલાયા બાદ ધીરે ધીરે ફરી શાળા, ઓફિસ શરૂ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ બાદ એક પછી એક નવા વાયરસ પણ આવતા ગયા, જેનો કોઇ ઇલાજ પણ નથી. હવે કોરોનાનું સંક્રમણ હજી સંપૂર્ણપણે નાબૂદ થયુ નથી ભારતમાં હાલ કોરોનાના ૪,૩૭,૫૦,૫૯૯ કેસ છે ત્યાં નવા એક વાયરસે એન્ટ્રી કરી છે. ઇબોલા અને કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક એક નવા વાયરસ જેનુ નામ મારબર્ગ છે. પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનામાં બે લોકોમાં તેની પુષ્ટિ થઈ છે. આ સાથે સંક્રમિતોના સંપર્કમાં આવેલા ૯૮ લોકોને શંકાસ્પદ માનીને ઘાનામાં ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ જીવલેણ મારબર્ગ વાયરસ માટે હજુ સુધી કોઈ રસી અથવા સારવાર અસ્તિત્વમાં નથી. રવિવારે આરોગ્ય અધિકારીઓ દ્વારા મારબર્ગ વાયરસના કેસની પુષ્ટિ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનામાં ઈબોલા જેવો ખતરનાક વાયરસ પ્રથમ વખત જોવા મળ્યો છે. ઘાના આરોગ્ય સેવાના અધિકારીઓનું કહેવું છે કે, આ મારબર્ગ વાયરસ માટે અત્યાર સુધી કોઈ દવા કે રસી નથી. તે ઇબોલા (ઈબોલા) જેટલું જ ઘાતક છે. જુલાઈની શરૂઆતમાં, ઘાનાના એશેન્ટી ક્ષેત્રમાં રહેતા ૨ લોકોને આ ખતરનાક વાયરસથી સંક્રમિત થવાની શંકા હતી. આ પછી, તેમના લોહીના નમૂનાઓ તેમને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ઘાના હેલ્થ સર્વિસ અનુસાર, આ સેમ્પલ સેનેગલ સ્થિત પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી તેને મારબર્ગ વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે.
મારબર્ગ વાયરસના લક્ષણો
-ખૂબ તાવ અને આંતરિક અને બાહ્ય રક્તસ્રાવ
-આ વાયરસથી તાવ અને માથાનો દુખાવો થઈ શકે છે
-જો તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે તો લોકોને તરત જ પોતાને અલગ રાખવાની સલાહ આપવામાં આવી છે.
-આ વાયરસથી મૃત્યુ દર પણ વધુ છે.
આ વાયરસ શોધાયો ત્યારે તેનો મૃત્યુ દર ૨૪ ટકા હતો, પરંતુ હવેવધીને ૮૮ ટકા થઇ ગયો છે.
-અત્યાર સુધીમાં ઘાનામાં ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા ૯૮ લોકોને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૧માં, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ એચઓ) દ્વારા ગિનીમાં આ વાયરસનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો. અગાઉ તેના કેસ અંગોલા, કોંગો, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડામાં જોવા મળ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે બે કેસ સિવાય મારબર્ગ વાયરસનો હજુ સુધી કોઈ નવો કેસ નોંધાયો નથી. અધિકારીઓનું કહેવુ છે કે, આ વાયરસ પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે. આ પ્રાણીઓમાં ચામાચીડિયાનો પણ સમાવેશ થાય છે. લોકોને ગુફાઓમાં જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે જ્યાં ચામાચીડિયા રહે છે. ઉપરાંત, માંસ કે મીટને સારી રીતે સાફ કર્યા બાદ જ તમામ પ્રકારના માંસ ખાય.