લંડન, તા.૧૮
ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ચોંકાવનારો નિર્ણય લીધો છે. બેન સ્ટોક્સે ટિ્વટર પર વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. બેન સ્ટોક્સે અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને તેના લાખો ફેન્સને ચોંકાવી દીધા છે. સ્ટોક્સ હવે આવતીકાલે સાઉથ આફ્રિકા સામે રમાનારી વનડેમાં છેલ્લી વખત એકદિવસીય ક્રિકેટમાં મેદાનમાં ઉતરશે. પરંતુ રાહતની વાત છે કે સ્ટોક્સ ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ અને ટી૨૦ ક્રિકેટમાં રમતો રહેશે. નોંધનીય છે કે બેન સ્ટોક્સે શાનદાર પ્રદર્શન કરી ૨૦૧૯માં ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બેન સ્ટોક્સે ટિ્વટર પર કહ્યું- હું મંગળવારે ઈંગ્લેન્ડ માટે પોતાનો અંતિમ વનડે મુકાબલો રમીશ. મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ મારા માટે ખુબ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. ઈંગ્લેન્ડ માટે રમતા મેં દરેક મિનિટને એન્જોય કરી છે. અમારી સફર ખુબ શાનદાર રહી છે. બેન સ્ટોક્સે આગળ કહ્યું- અહીં સુધી પહોંચવાનો નિર્ણય ખુબ મુશ્કેલ હતો. પરંતુ હું આ ફોર્મેટમાં મારૂ ૧૦૦ ટકા આપી રહ્યો નથી. ઈંગ્લેન્ડની જર્સી તેનાથી વધુ સારૂ ડિઝર્વ કરે છે. આ ફોર્મેટ મારા માટે રહ્યું નથી. મારી બોડી પણ મારો સાથ આપી રહી નથી. મને લાગી રહ્યું છે કે હું કોઈ અન્ય ખેલાડીની જગ્યા લઈ રહ્યો છું. આ આગળ વધવાનો સમય છે. બેન સ્ટોક્સે કહ્યુ કે હવે તમામ ધ્યાન ટેસ્ટ ક્રિકેટ પર લગાવીશ. તેણે કહ્યું કે મારી પાસે જે પણ છે તે હવે હું ટેસ્ટ ક્રિકેટને આપીશ. તેની સાથે મને લાગે છે કે હું ટી૨૦ ક્રિકેટ પર પોતાનું ધ્યાન લગાવી શકુ છું. ઉલ્લેખનીય છે કે સ્ટોક્સે ૨૦૧૧માં આયર્લેન્ડ વિરુદ્ધ પર્દાપણ કર્યું હતું. તેણે ૧૦૪ મેચોમાં ૨૯૧૯ રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટોક્સે ૩ સદી અને ૨૧ અડધી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં સ્ટોક્સના નામે ૭૪ વિકેટ પણ છે. સ્ટોક્સનું વનડે મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૬૧ રન આપી પાંચ વિકેટ રહ્યું છે.