ગુજરાતમાં વરસાદની સેકેન્ડ ઈન્ગીંસ શરૂઃ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ

28

સાબરકાંઠાના પોશિનામાં ૨ ઈંચ, ખેડાના મહેમદાવાદમાં ૨ ઈંચ, કડાણા, અરવલ્લી અને ઈડરમાં ૨ ઈંચ , અમદાવાદમાં અનેક સ્થળોએ પાણી ભરાયા, હજુ ભારે વરસાદની આગાહી
અમદાવાદ , તા.૧૯
રાજ્યમાં વરસાદનો જાણે બીજો રાઉન્ડ શરુ થયો હોય તેમ આજે સવારથી જ અમદાવાદ, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે. અમદાવાદમાં સવારથી જ કાળાડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું છે, તેમજ આજે પડેલા વરસાદને કારણે પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. બીજી તરફ, હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આગામી ૨૪ કલાક સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે બપોરે ૧ વાગ્યા સુધી મણિનગરમાં સૌથી વધુ ૧.૭૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રખિયાલમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સિવાય પાલડી, ઉસ્માનપુરામાં પણ એકાદ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું કોર્પોરેશનના કંટ્રોલ રુમમાં નોંધાયું છે.આજે સૌથી વધુ વરસાદ પૂર્વ અમદાવાદમાં તેમજ કોટ વિસ્તારમાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ નોર્થ વેસ્ટ ઝોનમાં આવતા બોડકદેવ, સાયન્સ સિટી, ગોતા અને ચાંદલોડિયામાં પડ્યો છે. શહેરમાં આ સીઝનમાં અત્યારસુધી ૧૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સમગ્ર સીઝનના ૬૦ ટકા જેટલો થાય છે. જેમાં સૌથી વધુ વરસાદ પશ્ચિમ અમદાવાદમાં ૨૩.૭૭ ઈંચ નોંધાયો છે. આજ સવારથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગણતરીના કલાકોમાં જ સાબરકાંઠાના પોશિનામાં ૨ ઈંચ, ખેડાના મહેમદાવાદમાં ૨ ઈંચ, કડાણા, અરવલ્લી અને ઈડરમાં ૨ ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.અત્યારસુધી સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ આગામી ૨૪ કલાકમાં અહીં ભારે વરસાદની શક્યતા ઓછી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લા તેમજ ખેડા, આણંદ, મહિસાગર, વડોદરા સહિતના મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાયેલો રહેશે, પરંતુ આગામી ૨૪ કલાકને બાદ કરતા ભારે વરસાદની શક્યતા ઘણી ઓછી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ વરસાદ સત્તાવાર રીતે ચોમાસું શરુ થયાના એક મહિનામાં જ થઈ ચૂક્યો છે. બીજી તરફ, આજે અમદાવાદમાં સવારે ૧૧ વાગ્યાથી શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, એકથી દોઢ કલાક સુધી શહેરમાં પડેલા વરસાદને કારણે સરસપુર, બાપુનગર, મણિનગર, હાટકેશ્વર જેવા વિસ્તારોમાં ગોઠણસુધી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાયા હતા. શહેરમાં હજુ ચારેક દિવસ પહેલા જ સવારના સમયે ભારે વરસાદ તૂટી પડ્યો હતો, ત્યારબાદ આજે પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપશ્ચિમી સેક્ટરમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા જાળવવા ભારત અને ચીન સમંત