આગામી તા. ૨૯મી ને મંગળવારે રાષ્ટ્રપતિ સુરતના મહેમાન બનશે. આ દિવસે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં તે હાજરી આપશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પદવિદાન સમારંભ ઉપરાંત ડોનેટ લાઈફના અને એક સન્માન સમારંભમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચત્તમ કોટીની કામગીરી કરનારા મહાનુભાવોની કામગીરીની કદર કરવા માટે એસઆરકે ફાઉન્ડેશન દ્વારા અપાતો સંતોકબા એવોર્ડ આ વખતે અવકાશયાનમાં નોંધપાત્ર કામગીરી કરનારા ઇસરોના ચેરમેન એ. એસ. કુમાર અને ચાઇલ્ડ લેબર માટે અભિયાન ચલાવતા કૈલાસ સત્યાર્થીને આપવામાં આવ્યો છે. સુરતમાં ૨૯ મેના દિવસે પાલમાં આવેલા સંજીવ કુમાર ઓડીટોરીયમાં બપોરે ૨-૧૫ વાગે યોજાનારા સમારંભમાં બનેં મહાનુભાવોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી ઉપસ્થિત રહેશે.
ડાયમંડના વેપારી ગોવિંદભાઇ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાના નામે એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. દેશભરમાં જે વ્યકિતનું જુદાં જુદાં ક્ષેત્રમાં નોંધપાત્ર અને વિશિષ્ટ યોગદાન હોય તેમને ઓળખીને એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ એવોર્ડ ડો. શામ પિત્રોડા,ડો. એચ. એલ. ત્રિવેદી, પૂર્ણિમાબેન પકવાસા, દલાઇ લામા, લોર્ડ ભીખુ પારેખ, રતન તાતા, ફાધર કોર્લોસ વેલ્સ, ડો. સુધા મુર્તિ, પ્રોફેસર સ્વામીનાથન,ડો. વર્ગીસ કુરીયન અને નારાયણ દેસાઇને એનાયત કરવામાં આવ્યા છે.