જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીની “પહેલ”ને બિરદાવતા રાજયકક્ષાના મંત્રી
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લામાં બોટાદ રોજગાર વિનિમય કચેરી તેમજ જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘પહેલ’ નામે દ્રષ્ટાંતરૂપ કામગીરી કરવામાં આવી છે. આ પુસ્તક પરબમાં માહિતી ખાતા અને સરકારી મુદ્રણાલય દ્વારા પ્રકાશિત થતાં તમામ પુસ્તકો ઉપલબ્ધ છે. બોટાદ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રશાંત ત્રિવેદી અને સહાયક માહિતી નિયામકશ્રી રાધિકા વ્યાસ દ્વારા આરંભાયેલ નવતર પ્રયોગ વાંચનાલય અને પુસ્તક પરબના સ્તુત્ય પ્રયાસ માટે જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા રાજયકક્ષાના મંત્રીશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિનોદભાઈ મોરડીયાના હસ્તે બંને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સ્વતંત્રતા પર્વ પર બોટાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને મંત્રીશ્રીનાં વરદ હસ્તે સન્માનિત કરાયાં હતા. આ પ્રસંગે રાજ્યનાં સૌપ્રથમ સરકારી પ્રકાશનો સાથેના પુસ્તક પરબ અને વાંચનાલય ‘પહેલ’ની કામગીરી માટે મંત્રીશ્રીએ સહાયક માહિતી નિયામકશ્રી રાધિકા વ્યાસ તેમજ જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રશાંત ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, તા. ૧૯ જુલાઈના રોજ જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના હસ્તે “પહેલ” વાંચનાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એક મહિના સુધીનાં સમયગાળા દરમિયાન અંદાજીત ૧ હજાર બોટાદવાસીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ આ પુસ્તક પરબની મુલાકાત લઈ ચૂક્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતાં યુવાવર્ગ માટે આ પુસ્તક પરબ તો જ્ઞાનનાં ખજાના સમાન છે. બોટાદના તમામ નાગરિકો આ પુસ્તક પરબનો લાભ લઇ શકે છે. અહીં ૧૦૦ જેટલાં માહિતી ખાતાં દ્વારા પ્રકાશિત કરવામાં આવતાં પ્રકાશનો સહિત અન્ય સરકારી પ્રકાશનો ઉપલબ્ધ છે. “પહેલ” ખાતે મુલાકાત માટે આવતાં બોટાદવાસીઓ હોંશે હોંશે અહીંથી પુસ્તકો પોતાનાં ઘરે વાંચવા પણ લઈ જઈ રહ્યાં છે. આ પુસ્તક પરબને બોટાદના નાગરિકોએ તો પ્રચંડ પ્રતિસાદ આપ્યો જ છે ત્યારે સ્વતંત્રતા પર્વના શુભ પ્રસંગે બોટાદ વહીવટી તંત્રના આ સ્તુત્ય પ્રયાસની રાજ્યકક્ષાએ પણ નોંધ લેવાય છે.