વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં ખેતીની જમીનમાં કોપરએશ બનાવતી ફેક્ટરીને મામલદાર દ્વારા સીલ કરાઇ છે. આ ફેક્ટરી પ્રદૂષણ ફેલાવતી હોવાની ખેડૂતોની રજૂઆત અને નાયબ પર્યાવરણ વૈજ્ઞાનિકના રિપોર્ટ આધારે અધિક નિવાસી કલેક્ટરે ફેક્ટરી સીલ કરવા હુકમ કર્યો હતો.
કડા સીમમાં ખેતીની જમીનમાં કોપરએશ બનાવતી ફેક્ટરીનું કેમિકલ ગેરકાયદે કુદરતી વહેણમાં ઠલવાતું હોઇ પ્રદૂષણ ફેલાવાની રજૂઆત ખેડૂતો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં કરાઇ હતી. જેથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી. જેમાં કોપર પાવડર બનાવતી આ ફેકટરી ખેતીની જમીનમાં કોઇપણ પરવાનગી વગર ચાલતી હોવાનું તેમજ આ ફેકટરીથી હવા, પાણી પ્રદૂષિત થતાં હોવાનું બહાર આવતાં તેના નમૂના લઇ ગાંધીનગર મોકલી અપાયાં હતાં. નમૂનાના પૃથ્થકરણ બાદ નાયબ પર્યાવરણ વૈજ્ઞાનિક દ્વારા તાત્કાલિક ધોરણે પાણી પ્રદૂષણ અધિનિયમ ૧૯૭૪ની કલમ ૩૩ અ હેઠળ આ ફેકટરી સીલ કરવા જિલ્લા કલેક્ટરને પત્ર લખી જાણ કરી હતી. આથી અધિક નિવાસી કલેકટરે ફેક્ટરી સીલ કરવાના કરેલા હુકમ આધારે વિસનગર મામલતદારે આ ફેક્ટરીને સીલ કરી હતી.