સ્વામીનાથન કમિશનની ભલામણો લાગૂ કરવાની માંગ સાથે દેશભરના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રથમ જૂનથી શરૂ થયેલું ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ૧૦મી જૂન સુધી ચાલશે. આ દરમિયાન ખેડૂતો અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાતમાં પણ હવે ખેડૂતોના આંદોલનની અસર જોવા મળી રહી છે. રવિવારે અમરેલીમાં થયેલા દેખાવો બાદ આજે ભાવનગર, ગીર-સોમનાથ સહિત જગ્યાએ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોના આંદોલનને પગલે સરકાર હરકતમાં આવી છે, તેમજ આઈબીને ખેડૂતોના આંદોલન પર ચાંપતી નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
ભાવનગરના પડવા ખાતે જમીન સંપાદન મામલે ચાલી રહેલી લડતમાં આજે બાડી ગામ ખાતે ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલા પણ ખેડૂતો અનેક વખત વિરોધ નોંધાવી ચુક્યા છે, પરંતુ આ વખતે ખેડૂતોએ અલગ જ રીતે જમીન સંપાદનનો વિરોધ નોંધાવ્યો છે.
ગીર સોમનાથમાં ખેડૂતોએ પોષણક્ષમ ભાવ નહીં મળતા હવે અન્ય રાજ્યમાં ચાલી રહેલા પ્રદર્શનનું હથિયાર ઉગામવાનું નક્કી કર્યું છે. આજે કોડીનાર સુગર ફેક્ટરી રોડ પર ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. એટલું જ નહીં અહીંના ખેડૂતોએ દૂધ અને શાકભાજી નહીં વેચવાનું નક્કી કર્યું છે. બીજી તરફ ટેમ્પોના માલિકો પણ દૂધ ભરવાનું ટાળી રહ્યા છે.
રાજ્યમાં ધીમે ધીમે વકરી રહેલા ખેડૂતોના વિરોધના પગલે રૂપાણી સરકાર ચિંતામાં મૂકાઈ છે. આ માટે જ ખેડૂતોના આંદલનની માહિતી એકઠી કરવા માટે આઈબીને સૂચના આપી દેવામાં આવી છે. નાના કે મોટા તમામ ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતા આંદોલનની રજે રજની માહિતી એકઠી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આઈબીની સાથે સાથે ભાજપનું સંગઠન પણ કામે લાગ્યું છે. સરકારે આંદોલન પાછળ કોઈ રાજકીય પક્ષની ભૂમિકા છે કે નહીં તેની તપાસના પણ આદેશ કર્યા છે.