ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા હજારો કરોડ રૂપિયાના બિટકોઇન કૌભાંડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા છેલ્લા ઘણા દિવસોથી નાસતા ફરી રહ્યા છે ત્યારે હવે તેઓ નેપાળ ભાગી ગયા હોવાની આશંકાઓ વ્યકત થઇ રહી છે, જેને લઇ સીઆઇડી ક્રાઇમે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, મુખ્ય સૂત્રધાર આરોપી શૈલેષ ભટ્ટ પણ પરિવાર સાથે વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચા ચાલી છે, તેથી તે અંગે પણ તપાસનીશ એજન્સીએ તપાસ શરૂ કરી છે. ચકચારભર્યા બિટકોઇન કૌભાંડમાં એક પછી એક નવા અને ચોંકાવનારા ખુલાસાઓ તપાસમાં સામે આવી રહ્યા છે, તો આંતરે દિવસે એક પછી એક નવા આરોપીઓની ધરપકડ થઇ રહી છે. જો કે, આ કૌભાંડમાં બે મુખ્ય આરોપીઓ હજુ પણ તપાસનીશ એજન્સીની પકડથી દૂર છે. એક છે ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને બીજો જે ફરિયાદી બન્યો હતો અને પાછળથી સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી તરીકે સામે આવ્યો તે શૈલેષ ભટ્ટ. સીઆઇડી ક્રાઇમે આ બંનેને જબ્બે કરવા જોરદાર તૈયારીઓ કરી રાખી છે અને તે દિશામાં સઘન તપાસ જારી રાખી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કેસના મૂળ સુધી પહોંચીને મુખ્ય માથાઓને જેલના સળીયા પાછળ ધકેલવાના પ્રયાસો થઇ રહ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા નેપાળ નાસી છૂટ્યાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજીબાજુ, મુખ્ય સૂત્રધાર શૈલેષ ભટ્ટ પણ પરિવાર સાથે વિદેશ ભાગી ગયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા છેલ્લા કેટલાય સમયથી પોલીસને ખો આપીને નાસી છૂટ્યા છે. સીઆઇડી ક્રાઇમે નલિન કોટડિયા સામે ધરપકડ વોરન્ટ માટે કરેલી અરજીને કોર્ટે સમર્થન આપતાં કોટડિયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. જોકે, નલિન કોટડિયા નેપાળ નાસી છૂટ્યાં હોવાની આશંકા વ્યકત થઇ રહી છે, તેથી તપાસનીશ એજન્સીએ આ વાતની ખરાઇ અને તપાસ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. કોર્ટે આપેલા પકડ વોરંટના ચુકાદા બાદ સીઆઇડી ક્રાઇમે સ્પષ્ટ કર્યું હતું કે, કોટડિયા સામે લૂકઆઉટ નોટિસ જારી કરી દેશના તમામ એરપોર્ટ પર આ અંગે જાણ કરી દેવામાં આવી છે. ગમે ત્યારે આરોપીઓને આ કેસમાં ધરપકડ કરવામાં આવશે. બીજીબાજુ, બીટકોઈન કેસમાં સુરતની અદાલતમાં બે અરજીઓ થઈ છે. જેમાં દોઢ સો કરોડ લૂંટી લેવાના પ્રકરણમાં શૈલેષ ભટ્ટ તરફથી આગોતરા જામીન અરજી કરાઇ છે. બીજી તરફ સીઆઇડી ક્રાઇમે પકડેલા શૈલેષ ભટ્ટના ત્રણ સાગરીતોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે. આમ, બિટકોઇન કેસને લઇ કોર્ટોમાં પણ નવા કેસો સામે આવી રહ્યા છે.