શહેરના નિલમબાગ પાસે વિરભદ્ર સોસાયટીમાં રહેતા વણીક વૃધ્ધાને વિજયરાજનગર પાસે બે અજાણ્યા શખ્સોએ અટકાવી વિશ્વાસમાં લઈ હાથમાં અને ગળામાં પહેરેલા સોનાના ઘરેણા લઈ છુમંતર થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવની મળતી વિગત મુજબ, નિલમબાગ પાસે આવેલ વિરભદ્ર સોસાયટી પ્લોટ નં.૧૦માં રહેતા જયશ્રીબેન ગુણવંતભાઈ સોમાણી (વણીક ભાવસાર) ઉ.વ.૭૭ સાંજના સુમારે વિજયરાજનગર ખાતે સ્વામીનારાયણ હોલમાં સત્સંગમાં ગયા હતા. તે વેળાએ સરબાગ સોસાયટીના નાકે બે અજાણ્યા શખ્સો સિક્યુરીટીનાં પહેરવેશમાં આવી જયશ્રીબેનને અટકાવી આગળ ખુન અને લૂંટ થઈ છે. તમે પહેરેલા ઘરેણા અમોને આપી દયો તેમ કહેતા વૃધ્ધાને બન્ને શખ્સો પર વિશ્વાસ રાખી હાથમાં પહેરેલ ચાર સોનાની બંગડી અને સોનાનો ચેઈન લઈ બન્ને ગઠીયા છુમંતર થઈ ગયા હતા. બાદ વૃધ્ધાને પોતે છેતરાયા છેનું માલુમ પડતા તેણીએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ એન.જે. વાઘેલાએ હાથ ધરી છે.