અમદાવાદના નવા મેયર સહિતના હોદ્દેદારોની ગુરુવારે સવારે સવા ૧૦ વાગ્યે મળનારી મ્યુનિ.બોર્ડ બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મેયર પદે પાલડી વોર્ડના મહિલા કોર્પોરેટર બિજલ પટેલ અને ડે. મેયર પદે દિનેશ મકવાણાની જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદે મણિનગર વોર્ડના અમૂલ ભટ્ટની પસંદગી કરાઈ હતી.
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા જ્ઞાતિવાદી આંદોલનો અને તેના કારણે સર્જાયેલા રાજકીય માહોલને ધ્યાનમાં લઈ મોવડી મંડળ જ્ઞાતિ જાતિના સમીકરણો બેસાડીને નવા મેયરની વરણી કરી છે. ખાસ કરીને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને બીજેપીએ એક પાટીદાર અને તે પણ મહિલાને શહેરનું સુકાન સોંપ્યું છે. એક ચર્ચા મુજબ, બીજેપીના એક વરિષ્ઠ નેતા પટેલ મેયરનો આગ્રહ રાખતા હતા. આથી બીજેપીએ જો કોઈ પટેલને મેયર બનાવવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ બ્રાહ્મણને આપવાની ફોર્મ્યુલા અપનાવી છે.