રાજ્ય સરકાર દ્વારા શાળા તેમજ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને આવકારવા તેમજ શાળાની વિવિધ શૈક્ષણિક પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવનું બે દિવસનું આયોજન કરેલ જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઈએ ધોલેરા તાલુકાના દેવપુરા, રતનપર અને સાંગાસર ગામોની શાળામાં નાના ભુલકાઓને આંગણવાડી તેમજ શાળામાં પ્રવેશ કરાવેલ. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવેલ.
આ પ્રસંગે ડો.ચિંતન દેસાઈએ ગામમાં વાલીઓ, શિક્ષકો, બાળકોને એમ.આર. રસીકરણ અભિયાન અંગે માહિતી આપેલ. વધુમાં તેમણે કહ્યું હતું કે, પંદર જુલાઈથી અમદાવાદ જિલ્લામાં ૯ મહિનાથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકોએ વધારાનો એમ.આર. રસીકરણનો ડોઝ આપવામાં આવનાર છે. આ એમ.આર. વેકસીનથી મીઝલ્સ અને રૂબેલા સામે રક્ષણ મળશે. આ પ્રસંગે વધુમાં મેડિકલ ઓફિસર ડો.સિરાજ દેસાઈએ શાળાના બાળકો, વાલીઓ અને શિક્ષકોને હાથ ધોવાના તબક્કા વિશે તેમજ આરોગ્ય વિષયક જાગૃતિ મળે તે માટે લોકોને સમજણ આપેલ. આમ તાલુકાના વિવિધ ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયેલ.