કાળનો ક્રમ તો સૃષ્ટિસર્જન સમયથી સતત ચાલતો રહ્યો છે. ઘડી, દિવસો, વર્ષો અને સદીઓના કાળ પ્રવાહમાં આ પૃથ્વી પર અસંખ્ય માનવીઓ જન્મી ચુક્યા, જીવ્યા અને અંતિમ ઘડી આવતા મૃત્યુને ભેટ્યા. દુનિયાએ આવા સામાન્ય જન્મ-મૃત્યુની ઘટનાઓની નોંધ ઈતિહાસના પાનાઓ પર કરી નથી. પરંતુ ક્યારેક-ક્યારેક શુભ સમય આવે છે. જગત નિયતા પોતે ધરતી પર આવે છે. (તેમણે કહ્યું છે જ્યારે-જ્યારે જરૂર પડશે ત્યારે-ત્યારે હું આવીશ અને આવે પણ છે.) પોતાના જીવન કાર્યોની સુગંધ પ્રસરાવે છે. સામાન્ય માનવીઓ તેમાંથી પ્રેરણા લઈ પોતાનું જીવન સુવ્યવસ્થિત કરવા પ્રયાસ કરે છે. આવા વિરલ પુરૂષ ધરતી પર આવ્યા હોય તો દિવસને લોકો યાદ રાખે છે, આવો યાદ રાખવા જેવા દિવસો પૈકીનો એક દિવસ, જયેષ્ઠ સુદ્ધિ ત્રીજ. આ પવિત્ર દિવસે જન્મભૂમિને માટે પોતાની પણ પરવાન કરનાર, હિન્દુવાસુર્ય, અટંકી પ્રતાપસિંહજી જેને આપણે મહારાજા પ્રતાપ તરીકે ઓળખીએ છીએ તે મેવાડની પવિત્ર ધરા પર અવતર્યા. તેમણે માતૃભુમિ અને સ્વધર્મની રક્ષા કરી. તેની નેક, ટેક અને કુરબાનીને યાદ કરી-કરીને મેવાડ અને ભારતભરમાં આ દિવસ ઉજવાય છે.
ઈશ્વરને થયું પ્રતાપે ખૂબ કામ કર્યુ. થોડી સદીઓ પસાર થઈ ગઈ છે. જગતનો ઈતિહાસ કરવટ બદલવા જઈ રહ્યો છે. પ્રતાપે દેશની એકતા માટે જે પ્રયાસ કર્યા હતા તે દેશના પ૬ર જેટલા ટુકડામાં વહેચાઈ જવા જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.
ભારત દેશને અનેક ટુકડામાં વહેચાતો બચાવવા મહારાણા પ્રતાપના જન્મ પછી ચારસો વર્ષ બાદ જયેષ્ઠ સુદ્વિ ત્રીજ સંવત ૧૯૬૮ના પવિત્ર દિવસે તેજ સુર્યવંશી શાખામાં દિવ્ય આત્માને ધરતી પર મોકલ્યા. તે પવિત્ર આત્મા એટલે આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ઓફ ભાવનગર. તેમણે પોતાના જીવન પર વર્ષ, ૧૦ માસ અને ૧૩ દિવસના કાર્યકાળ દરમિયાન ભાવેણાને અલગ જ ભાવથી ભીંજવ્યું અને પોતાનું રાજ્ય દેશની એકતામા તે સૌપ્રથમ ભારત માતાને શરણે ધરી દેશના ટુકડા થતા બચાવી લીધા. આજે તેમના જન્મને ૧૦૬ વર્ષ થયા. આજે આ બન્ને મહાનુભાવોનો જન્મદિવસ છે. બન્ને મહાનુભાવોને શત્-શત્ નમન..
– સંકલન બળદેવસિંહ ગોહિલ