મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના દૂર-દરાજ અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સહિત વંચિતોના શિક્ષણ આરોગ્યના સેવા ધ્યેય સાથે કાર્યરત સામાજીક સેવા સંસ્થાઓને રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરશે તેવી નેમ દર્શાવી છે.
વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ૧૬મી કડીના બીજા દિવસે આદિજાતિ વિસ્તાર ડાંગ-આહવાના સાપૂતારાના ગામોમાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું. તેમણે આ સાથે પૂજ્ય રમેશભાઇ ઓઝા પ્રેરિત સાંદીપનિ વિદ્યાસંકુલના નવનિર્મિત ભવનનો લોકાર્પણ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેનની ઉપસ્થિતિમાં કર્યો હતો. મુખ્યમંત્રીએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં અત્યાધુનિક શાળા સંકુલનું નિર્માણ કરીને તેને પ્રજાર્પણ કરવાની દ્રઢ ઇચ્છાશકિત સાથે, મંદિરો નહીં પરંતુ શાળાઓની સમાજને વધુ જરૂર છે તેવી ભાવના કેળવનારા ભાઇ રમેશભાઇ ઓઝાની ઉચ્ચત્તમ કાર્યશૈલીને બિરદાવી હતી.
તેમણે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના આહવાનને કારણે આજે ટ્રસ્ટના અથાગ પ્રયાસોને લીધે, અશકય કાર્યને શકય બનાવીને દાખલારૂપ કામગીરી કરવામાં આવી છે અને અભાવ વચ્ચે રહેતા લોકો માટે દાતાઓનો સહયોગ કેળવવાની રમેશભાઇ ઓઝાની ભાવનાની પણ સરાહના કરી હતી. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકાર સૌના સાથ અને સૌના સહયોગથી વંચિત વિસ્તારોમાં અનેક નવા આયામો શરૂ થાય તે માટે પ્રતિબદ્ધ છે. તાજેતરના ધો-૧૦/૧રના પરિણામોમાં ડાંગ જિલ્લામાં ધોરણ-૧૦/૧રના શ્રેષ્ઠ પરિણામે, બુદ્ધિ અને ચાતુર્ય એ કોઇની જાગિરી નથી તે ડાંગના આદિવાસી વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું છે તેમ આદિજાતિ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું. ગિરિમથક સાપુતારા ખાતે સાંદિપની વિદ્યા સંકુલના નવનિર્મિત સંકુલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવીને, તેમને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવને કારણે આદિવાસી ક્ષેત્રમાં પણ શિક્ષણની ભૂખ ઉઘડી છે, તેમ જણાવી રૂપાણીએ શાળા પ્રવેશોત્સવની સફળગાથા વર્ણવી હતી. એક સમયે મૃતઃપાય અવસ્થામાં સપડાયેલી શૈક્ષણિક સંસ્થાઓના નવસર્જન કરવાના ભાગરૂપે શિક્ષણ પ્રત્યે સમર્પિત સામાજિક સંસ્થાઓને સોંપવાના તત્કાલિન નિર્ણયનો ખ્યાલ આપતા, મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ભારત સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ-પોરબંદર અને તેના કર્મઠ કાર્યકરોના સમર્પણભાવને બિરદાવ્યો હતો.