ગત મહિને રાજ્યનું હોટ સીટી બનેલા પાટનગરમાં એક સપ્તાહથી આકાશમાં વાદળો જોવા મળી રહ્યાં છે.
બફારા અને ઉકળાટના કારણે નાગરિકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે, ત્યારે શુક્રવારે રાત્રે ૯ વાગ્યાના રસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ૯.૧૫ વાગ્યા આસપાસ જાણે અસલ વરસાદી માહોલ છવાઇ ગયો હતો, છાંટડા નહીં પરંતુ વરસાદ જ વરસવો શરૂ થતાં સેક્ટરોમાં બાળકો અને યુવાઓની ચિચિયારીઓ સંભળાઇ હતી.
ગરમીમાં બેબાકળા થયેલા નાગરિકોએ રાત્રે વરસાદી મજા માણી હતી. રોડ પરથી પાણી વહી જવાના પગલે ભીની માટીની ખુશબુ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. નાગરિકોને રાત પુરતી તો ગરમીથી રાહત થઇ હતી.
શુક્રવારે સવારથી જ આકાશામાં વાદળો ઘેરાઇ જવાની સાથે પવન ફૂંકાતો રહ્યો હતો અને ધૂળની ડમરીઓ ચઢતી હતી. વાતાવરમમાં ભેજનું પ્રમાણ વધીને ૮૫ ટકા પર પહોચી ગયુ હતું. આખરે રાત્રીના સમયે વરસાદી માહોલ સર્જાયો હતો. સપ્તાહથી વાદળછાયુ વાતાવરણ રહેતુ હોવાથી તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહે છે. પરંતુ બફારાના પગલે નાગરિકોને ગરમીનો અકળાવતો અનુભવ થતો રહ્યો હતો. બે દિવસથી પારો ઘટીને૩૯ ડિગ્રી પર જતાં વરસાદની આશા બંધાઇ હતી અને વરસાદ પડ્યો હતો. પરંતુ દસેક મિનીટ બાદ રહી ગયો હતો.