રાજ્યમાં દારૂબંધીનો કાયદો કડક કર્યા બાદ રાજ્ય સરકારે લીકર પરમિટના નવા નિયમો તૈયાર કરવા માટે હાલની પરમિટને રિન્યૂ કરવાની અને નવી પરમિટ આપવાની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી બંધ કરી છે ત્યારે ટૂંક સમયમાં નવા નિયમોને મંજૂરી આપીને સરકાર પરમિટ આપવાનું શરૂ કરશે. લીકર પરમિટના નશાબંધી ખાતાએ તૈયાર કરેલા ડ્રાફ્ટ પ્રમાણે જેને દારૂનું વ્યસન નહીં હોય તેવા લોકોને જ દારૂ પીવાની પરમિટ મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
સૂત્રો મુજબ લીકર પરમિટ રિન્યૂ કરાવનાર અથવા નવી પરમિટ મેળવવા ઇચ્છતા લોકોએ પ્રથમ વ્યસન મુક્તિ કેન્દ્રમાં ૧૫ દિવસ માટે સારવાર લેવાની રહેશે અને કેન્દ્ર દ્વારા એવું સર્ટિફિકેટ ઇશ્યૂ કરાશે કે તે વ્યક્તિને દારૂ પીવાનું વ્યસન નથી તો જ તેને પરમિટ માટે લાયક ગણાશે. હાલ પરમિટ માટે યુનિટ દીઠ એક હજાર રૂપિયાની ફી લેવામાં આવે છે જેમાં ૫ ગણો વધારો એટલે કે યુનિટ દીઠ ૫ હજાર રૂપિયાની ફી સૂચવવામાં આવી છે. પરમિટ માટે હાલમાં સિવિલ સર્જનનું સર્ટિફિકેટ જરૂરી છે તેના બદલે નશાબંધી વિભાગ રાજ્યના ૬ સ્થળો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર ખાતે મેડિકલ બોર્ડ બનાવશે.
જેમાં ત્રણ ડોક્ટરોની પેનલ રહેશે. આ પેનલ અરજદારને પરમિટ આપવી કે નહીં અથવા કેટલા યુનિટની પરમિટ આપવી તેનું પ્રમાણપત્ર આપશે. રાજ્યમાં હાલ ૭૦ હજાર જેટલા પરમિટ ધારકો છે જેમાં વિદેશી પ્રવાસીઓ અને એક્સ આર્મીમેનનો પણ સમાવેશ થાય છે. નશાબંધી વિભાગે નવા નિયમોનો ડ્રાફ્ટ ગૃહ વિભાગને મોકલી આપ્યો છે અને સરકારની મંજૂરી બાદ ટૂંક સમયમાં પરમિટ ઇશ્યૂ કરવાની અને રિન્યૂ કરવાની કામગીરી શરૂ કરાશે.