મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મજયંતી નિમિત્તે વિચાર ફાઉન્ડેશન દ્વારા રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે “ગાંધી મિત્ર એવોડ્ર્સ-૨૦૧૭” એનાયત કરવામાં આવ્યા હતા.
આ વખત ગાંધી મિત્ર એવોડ્ર્સ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સર્વોદય પરિવાર ટ્રસ્ટના સુજાતાબેન શાહ, સુરેન્દ્રનગરના પાટડી ખાતે ગણતર સંસ્થાના શ્રીમતી નિરૂપમાબેન શાહ અને પાટણ જિલ્લાના સગોડિયા ખાતે યોગાંજલિના રમીલાબેન ગાંધીને એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગાંધી વિચારોને લઈ પરિણામની અપેક્ષા રાખ્યા વિના સફળતાપૂર્વક સમાજમાં પ્રેરણાં પૂરી પાડતા સમાજ સેવકોને રાજ્યપાલે બિરદાવ્યા હતા, અને જણાવ્યું હતું કે, ગાંધી વિચારધારાની વાત સાથેનાં કાર્યક્રમમાં ઉપસ્થિત થવું એ ગૌરવની વાત છે.
સમાજમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન એ ભાવિ પેઢીને જનહિતના કાર્યો કરવા તરફ પ્રેરશે. એવોર્ડ પ્રાપ્ત કરનાર ત્રણેય મહિલાઓને રાજ્યપાલે સમાજની જાગૃતતાનું જીવતુ જાગતુ ઉદાહરણ ગણાવ્યાં હતા. રાજ્યપાલે ગાંધી બાપુને પહેલાની સરખામણીએ આજે વધુ પ્રાસંગિક હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાનમાં જ્યારે વિવિધ બનાવો દ્વારા સમાજનું વાતાવરણ દુષિત બની રહ્યું છે ત્યારે ગાંધી વિચારોનું સ્મરણ અને તેનો અમલ સૌને માટે શાંતિનો માર્ગ બની રહેશે. ઉપરાંત ઉપસ્થિત સૌને બાપુના સપનાના ભારતનું નિર્માણ કરવા આગળ આવવા આહવાન કર્યું હતું.