ગરમીને કારણે રાજ્યમાં વીજમાંગ હજુ પણ ઊંચી રહી છે. બીજી તરફ ખાનગી કંપનીઓ પીપીએ પ્રમાણે વીજપુરવઠો પૂરો ન પાડતી હોવાની ૫ હજાર મેગાવૉટના શોર્ટફોલ વચ્ચે કોલ ઇન્ડિયા તરફથી પૂરતા પ્રમાણમાં કોલસો પણ ન મળતાં રાજ્યમાં વીજકટોકટીના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ રાજ્યનાં સરકારી થર્મલ પાવર સ્ટેશનો પાસે માત્ર ૪ દિવસ ચાલે તેટલો કોલસો છે.
વીજ સરપ્લસ સ્ટેટ હોવાની જાહેરાતો વચ્ચે માંગને સંતોષવા માટે હાલ સરકારને સરેરાશ ૫૦થી ૬૦ મિલિયન યુનિટ વીજળી નેશનલ ગ્રીડમાંથી ખરીદવી પડે છે.
રાજ્ય હસ્તકનાં થર્મલ પાવર સ્ટેશનોને વીજઉત્પાદન માટે પૂરતા પ્રમાણમાં કોલસો મળી શકે તેવી સ્થિતિ નથી. કોલ ઇન્ડિયા તરફથી પૂરતો કોલસો ન ફાળવાતાં હાલ ૪ દિવસ ચાલે તેટલો જ કોલસો બચ્યો છે. આ કારણે હાલ ઇમ્પોર્ટેડ અને સ્થાનિક કોલસો મિક્સ કરીને કામ ચલાવવું પડે છે.
સૂત્રોના કહેવા મુજબ તમામ રાજ્યોમાંથી ડિમાન્ડ આવી હોવાથી કોલ ઇન્ડિયા દ્વારા પૂરતો કોલસો અપાતો નથી, સાથે કોલસાની ડિલિવરી માટે પણ રેલવેને તાત્કાલિક રેક ફાળવવા કહેવાયું છે.ગુજરાત રાજ્યની કોલસાની વાર્ષિક જરૂરિયાત ૧૭૫ મિલિયન મેટ્રિક ટન છે. સરકારને કરાર મુજબ સસ્તી વીજળી ન મળતાં અને ઊંચા મેરિટની વીજળી પૂરી પાડવાને કારણે વીજઉત્પાદન કોસ્ટ વધી છે જેથી વીજકંપનીઓએ જર્ક સમક્ષ ફ્યૂઅલ સરચાર્જ વધારવાની માગણી કરી છે.
રાજ્યમાં વીજળીની માંગને સંતોષવા પૂરતા પ્રમાણમાં વીજ ઉત્પાદન થઇ શકતું નથી. રવિવારની સ્થિતિએ રાજ્યની કુલ વીજળીની માંગ ૧૫૨૭૦ મેગાવોટ હતી જેની સામે તમામ ક્ષેત્રોની થઇને ૧૪૯૫૧ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકાઇ હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ રહે છે. વરસાદ ખેંચાય તેવા સંજોગોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.