ઇન્ડિગોની ફલાઇટમાં રહેલ યાત્રીઓનો સહેજમાં બચાવ

1219

અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટથી કોલકાતા જતી ઇન્ડિગોની ફલાઇટ નં.૬-ઈ૧રપ સવારે ૬-૪૦ ઉડાન ભરતી વખતે બર્ડ હિટ થતા તેમાં રહેલા મુસાફરો સહિત ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ થયો હતો. ફલાઇટને ટેક ઓફ થયા બાદ બર્ડ હીટના કારણે નુકસાન થતાં લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જો કે, બર્ડ હીટથી નુકસાન થવા છતાં મુસાફરોના જીવ બચી જતાં એરપોર્ટ ઓથોરીટી સહિત સુરક્ષા એજન્સીઓએ પણ રાહતની લાગણી અનુભવી હતી.

બર્ડ હીટ બાદ તમામ મુસાફરોને સલામત રીતે એરપોર્ટ પર પાછા લવાયા બાદ સવારે ૧૧ કલાકે અન્ય ફલાઇટમાં કોલકાતા જવા રવાના કરાયા હતા. હજુ તા.૯મી જૂને દસ દિવસ પહેલાં જ કુવૈતથી અમદાવાદ આવતી ફલાઇટને લેન્ડિંગ સમયે બર્ડ હિટ થતાં ૧૪૪ પેસેન્જરનો જીવ બચી ગયો હતો.   વર્ષમાં બર્ડ હિટની આ ત્રીજી ઘટના બની છે. અમદાવાદથી કોલકાતા જતી ઇન્ડિગોની ફલાઇટ સાથે બર્ડ હિટ થતાં પ્લેનનું એન્જિન બંધ થઇ ગયું હતું. જેના કારણે પ્લેનમાં પ્રવાસીઓના જીવ તાળેવી ચોંટી ગયા હતા. ઇન્ડિગોની ૧૦-પ કલાકે ઉપડતી કોલકાતાની ફલાઇટ સમયસર ટેક ઓફ થઇ હતી. પરંતુ બર્ડ હિટની ઘટનાને પગલે પાઇલટ દ્વારા તરત જ તેનું સફળ લેન્ડિંગ કરાવાયું હતું. ફલાઇટમાં સવાર તમામ મુસાફરોને ફરી સલામત રીતે એરપોર્ટ લવાયા હતા. પાઇલટની સમયસૂચકતાના કારણે સમગ્ર દુર્ઘટના ટળી હતી. ઇન્ડિગો દ્વારા અન્ય ફલાઇટની વ્યવસ્થા કરી તમામ પ્રવાસીઓને કોલકાતા જવા માટે રવાના કરાયા હતા. આધારભૂત સૂત્રોનાં જણાવ્યાનુસાર એર ક્રાફટને નુકસાન થયું હોવાથી મરામત માટે રોકી લેવાયું છે. સાથે સાથે આજે અમદાવાદથી બેંગલુરુ જતી ઈન્ડિગોની ૮-૩૦ની ફલાઇટ પણ મોડી પડતાં મુુસાફરોએ એરપોર્ટ પર જ હોબાળો મચાવ્યો હતો. ૧૬૦ જેટલા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને શાંત પાડયા હતા આ ફલાઇટ બપોરના એક કલાકે ઉપડશે તેવું પ્રવાસીઓને આશ્વાસન આપી વિવાદ ખાળવાનો પ્રયાસ થયો હતો. જો કે, આ ઘટનાના પગલે અનેક પ્રવાસીઓ તેમની આગળની કનેક્ટિંગ ફલાઇટ ચૂકી ગયા હતા. બીજીબાજુ, આજે જયપુરથી મુંબઇ જતી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ મામલે ઇન્ડિગોએ આ ઘટનાની જાણ બોમ્બ થ્રેટ એસેમેન્ટની કરી હતી અને અધિકારીની મંજૂરી પછી જ આ ફલાઇટ ઓપરેશન શરૂ કરાશે તેવી સ્પષ્ટતા કરાઇ હતી.

Previous articleસિંહની સતામણી કરનારને ૭ વર્ષ જેલ-દંડની સજા થશે
Next articleસોનગઢમાં બાહુબલીની પ્રતિમાનું આરોહણ