વરસાદથી દ.ગુજરાતની નદીઓમાં નવા નીર આવ્યા

979

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ત્યારે આજે એનડીઆરએફની ટીમ વલસાડ પહોંચી હતી. ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોઇ ઔરંગા નદીમાં આવતાં નદી બે કાંઠે થઈ જતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતની અન્ય નદીઓ, નાળા અને તળાવો વરસાદી પાણીની આવકથી છલકાયા છે. બીજીબાજુ, નર્મદા ડેમ-સરદાર સરોવર ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની નોંધપાત્ર આવક વધી રહી છે. નર્મદા ડેમમાં હાલ ૧૬૯૬૩ કયુસેક પાણીની આવક થઇ રહી છે અને ડેમની સપાટી ૧૦૭.૮૩ મીટર સુધી પહોંચી ગઇ છે. દર કલાકે ડેમની સપાટીમાં એક સે.મીનો વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં રાજયમાં જળસંકટની સમસ્યા હલ થવાની શકયતા બળવત્તર બની છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ જોરદાર મહેર વરસાવી છે, જેને લઇ પંથકના મોટાભાગની તમામ નદીઓ, તળાવો, સરોવર અને નાળા-જળસ્ત્રોતોમાં નવા નીરની નોંધપાત્ર આવક વધી છે. વલસાડ ખાતે ઉપરવાસમાં વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઔરંગા નદીમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાતાં એલર્ટ જાહેર કરવા આવ્યું છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદનું પાણી ઔરંગા નદીમાં આવક થવાથી એલર્ટ અપાયું છે. વલસાડ ખાતે એનડીઆરએફની ટીમે લો લાઈન વિસ્તારની મુલાકાત લીધી હતી અને ઔરંગા નદીની હાલની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.  ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વલસાડના ઉમરગામમાં ૩૦ કલાકમાં ૨૫ ઇંચ વરસાદને પગલે સમગ્ર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત બનવા સાથે તારાજી સર્જાઈ હતી. જેને પગલે આજે એનડીઆરએફની ટીમને અહીં ઉતારી દેવામાં આવી હતી અને વરસાદી પૂરની કે કોઇપણ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા તેને એલર્ટ પર રાખી દેવામાં આવી હતી. દરમ્યાન ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજે નર્મદા ડેમ-સરદાર સરોવર ડેમમાં પણ ૧૬,૯૬૩ કયુસેક પાણીની આવક થઇ રહી છે, જેના કારણે ડેમની સપાટી વધીને ૧૦૭.૮૩ મીટર સુધી પહોંચી છે. ડેમમાં દર કલાકે પાણીની સપાટીમાં એક સે.મીનો વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં તંત્રએ પણ જળસંકટની સ્થિતિ હળવી બનતાં હાશકારો અનુભવ્યો હતો.

Previous articleછતડીયા ખડેશ્વરી આશ્રમ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
Next articleગુજરાતમાં લોકસરકાર રચવાની કોંગ્રેસની જાહેરાત