ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયુ છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શરૂઆતથી ખેડૂતોને સારા ચોમાસાની આશા બંધાઇ છે. ઉનાળાની પાણીની સમસ્યા અને તળનાં પાણીના અભાવે ખેડૂતોએ વાવણી કરવાનું હજુ મોટા પ્રમાણમાં શરૂ કર્યુ નથી અને વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે વાવણીનાં આંકડાઓ મુજબ, હાલની સ્થિતિએ (૨૬ જૂન) રાજ્યમાં કુલ ૪.૪૪ ટકા વિસ્તારમાં જ વાવેતર થયું છે એટલે કે, હજુ ૩.૮૦ લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. જ્યારે આ જ સમયે ગયા વર્ષે ૧૩.૫૪ લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી હતી.
જાણકારોનાં જણાવ્યા અનુસાર, જે ખેડૂતો પાસ સિંચાઇની સુવિધા નથી અને જેમના બોર-કૂવામાં પાણી નથી તે ખેડૂતો સારા વરસાદની રાહ જોઇને બેઠાં છે. આ વરસે, વરસાદ ખેંચાયો છે અને સમય કરતા થોડો મોડો આવ્યો છે. આથી, ખેડૂતો કોઇ પણ પ્રકારનું જોખમ ખેડવા માંગતા નથી. હાલમાં જે ખરીફ પાકોનું વાવેતર થઇ રહ્યું છે તેમાં ડાંગર, બાજરી, જુવાર, કપાસ, મગફળી, મકાઇ, તુવેર, સોયાબીન, શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ થાય છે. આજની સ્થિતિએ રાજ્યમાં મગફળીનું વાવેતર (૬૨,૩૪૯ હેક્ટર) અને કપાસનું વાવેતર ૨, ૪૧,૫૭૮ હેક્ટરમાં થયું છે. રાજ્યનો કુલ વાવેતર વિસ્તાર ૮૫.૬૫ લાખ હેક્ટર છે. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદનો ૫ ટકા જેટલો વરસાદ પડ્યાનો અંદાજ છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આશા છે કે, આવતા અઠવાડિયાથી વાવણી પૂરજોશમાં શરૂ થશે.