વિધાનસભાની ચૂંટણીથી કોંગ્રેસમાં બહાર આવેલો જૂથવાદ હવે જાહેર જગજાહેર થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના ટોચના નેતાઓ નારાજગી સામે આવ્યા બાદ હવે કાર્યકર્તાઓ પણ ઉગ્ર બન્યા છે. અમદાવાદ ખાતે યોજાયેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક કોંગી કાર્યકર્તાઓ ઉગ્ર બની કોગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં જ તોડફોડ કરી હતી. પત્રકાર પરિષદમાં હોબાળો થતા અમિત ચાવડા પ્રેસ છોડી જતા રહ્યાં હતા.
કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર પ્રમુખની નિમણૂકને લઇને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરવાના હતા. આ દરમિયાન અચાનક કેટલાક કોંગી કાર્યકર્તાઓ નારેબાજી કરતાં કરતાં ધસી આવ્યા હતા. કાર્યકર્તાઓના નારે બાજી પરથી લાગી રહ્યું હતું કે તેઓ કોંગ્રેસના નેતા નિરવ બક્ષીના સમર્થક હતા, આ કાર્યકર્તાઓ યુવા નેતા નિરવ બક્ષીને અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ બનાવવાની માગ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસ દ્વારા શશીકાંત પટેલની નિમણૂક કરી છે, જેના કારણે કોંગ્રેસનો જૂથવાદ સપાટી પર આવ્યો છે. પત્રકાર પરિષદમાં હોબાળો થતાં અમિત ચાવડાને ખુરશી છોડવાની ફરજ પડી હતી. બીજી બાજુ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ રાજીનામું આપી દીધું છે. રાજકોટમાં વિધાનસભા ચૂંટણી દરમિયાનથી જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિરોધી એક જૂથ સક્રિય થઇ ગયું હતું, ત્યારબાદ સતત રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો હતો. ત્યારે હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામા બાદ રાજકોટમાં રાજકારણ ગરમાયું છે, ઇન્દ્રનીલના સમર્થનમાં કોંગ્રેસના ૨૨ જેટલા કોર્પોરેટરે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. રાજકોટ કોર્પોરેશનના વિપક્ષનેતા વશરામ સાગઠિયાએ માગ કરી કે ઇન્દ્રનીલભાઇ પોતાનું રાજીનામું પાછું ખેંચે અને પાર્ટી તેમની નારાજગી દૂર કરે.