ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ હોઇ આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના પંથકોમાં વરસાદની સાર્વત્રિક મહેર વરસાવી હતી. સૌરાષ્ટ્રમાં અમરેલીના રાજુલા, ડુંગર, મોરંગી, માંડલ સહિતના પંથકોમાં આજે બેથી ત્રણ ઇંચ જેટલો ભારે અને તોફાની વરસાદ નોંધાયો હતો. જેના કારણે રાજુલાની મોરંગી નદીમાં તો ઘોડાપૂર આવ્યા હતા. નદીના પૂરના પાણી સમગ્ર વિસ્તારમાં અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા. અમરેલી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર પછી રાજુલા પંથકમાં અનરાધાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. વિજળીના કડાકા-ભડાકા સાથે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં કલાકોના ગાળામાં જ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરો અને નદી નાળા છલકાઈ ગયા હતા. બીજી બાજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાજકોટ, ઉપલેટા, ભયાવદર, ભાવનગર સહિતના વિસ્તારોમાં ધીમો વરસાદ થયો હતો. ગોંડલ પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દરમ્યાન હવામાન ખાતા દ્વારા આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં હાલ અપર એર સાયકલોનિક સર્કયુલેશન સીસ્ટમ સર્જાઇ હોવાથી તેની નજીક આવેલા રાજસ્થાનના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે.
તો, કચ્છમાં પણ હાલ સાયકલોનિક સર્કયુલેશન સીસ્ટમ સક્રિય થઇ હોવાથી કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા એવા વરસાદની શકયતા છે. આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ સહિતના વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ સહિતના પંથકોમાં સારી એવી મહેર કરી હતી.
તો, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામખંભાળિયા સહિતના પંથકોમાં જોરદાર મેઘમહેર વરસાવી હતી. અમરેલીના રાજુલા, મોરંગી, માંડલ સહિતના પંથકોમાં તો, બેથી ત્રણ ઇંચ જેટલો ભારે અને ધોધમાર વરસાદ વરસતાં પંથકોના તમામ નદી-નાળા છલકાઇ ગયા હતા. ખાસ કરીને રાજુલાની મોરંગી નદીમાં તો ઘોડાપૂર આવતાં આસપાસના ખેતરો અને વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. નદીના ઘોડાપૂરને જોવા સ્થાનિક લોકો ઉમટયા હતા જો કે, તંત્રએ ભારે સાવધાની અને સતર્કતાના પગલા પણ લીધા હતા. કચ્છમાં આજે સીઝનનો સૌપ્રથમ વરસાદ પડતાં લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. ખેડૂતોએ મેઘરાજાના આગમનના વધામણાં કર્યા હતા. કચ્છના મુંદ્રા સહિતના પંથકોમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો હતો. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ક્ષેત્રોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના પંથકોમાં ભારે અને ધોધમાર વરસાદ પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. આજે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, વાદળછાયા માહોલ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. તીવ્ર તાપથી લોકોને રાહત મળી ચુકી છે પરંતુ વરસાદની ઉત્સુકતાપૂર્વક હજુ રાહ જોવાઈ રહી છે. અપેક્ષા મુજબ વરસાદ ન થતાં લોકોમાં ચિંતાનું મોજુ પણ ફરી વળ્યું છે. સામાન્ય લોકોમાં વરસાદને લઇને ચર્ચા જોવા મળી રહી છે.