સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં સિનીયર ધારાસભ્યોની નારાજગીની વાત હવે હાઇકમાન્ડ સુધી પહોંચી ગઇ છે. જેના ભાગ રુપે રાજકોટમાં ખેડૂતોના ધરણના કાર્યક્રમમાં કોંગ્રેસથી નારાજ એવા વાંકાનેરના પીરઝાદા, વિક્રમ માડમ અને કુંવરજી બાવળીયાએ હાજરી આપી પોતે બધા એક છે તે દર્શાવવામાં સફળ રહ્યાં હતા. પરંતુ હજુ અંદરખાને ક્યાંકને ક્યાંક અસંતોષ દેખાઇ રહ્યો છે. બાવળીયા સ્પષ્ટ અને ભારપૂર્વક એવું કહે કે હજુ આજ દિવસ સુધી તો કોંગ્રેસમાં જ છું આનો મતલબ શું તે પણ એક ચર્ચાનો વિષય છે. જો કે, સૌરાષ્ટ્રની નારાજગી રાહુલ ગાંધી સુધી પહોંચી ગઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પોતે જ સૌરાષ્ટ્ર આવી રહ્યાનું જાણવા મળ્યુંં છે અને અહીં ત્રણ જિલ્લામાં ફરીને પાયાના કાર્યકરોને મળી સમગ્ર વાતનો ચિતાર મેળવશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જુલાઇના બીજા અઠવાડીયામાં એટલે કે, ૧૧થી ૧૪ જુલાઇની વચ્ચે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં છે. આગામી લોકસભાને લઇ સૌરાષ્ટ્ર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં આવી વેપારી ખેડૂતો સહિત ત્રણ જિલ્લાના કાર્યકરો, નેતાઓને મળી પરિસ્થિતિ જાણશે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ મજબૂત છે, ત્યારે લોકસભામાં કોંગ્રેસ આંતરિક જૂથવાદ બાજુએ રાખી મહેનત કરે તો સૌરાષ્ટ્રમા રાહુલ ગાંધીને મોટો ફાયદો મળે તે માટેના પ્રયાસો કરવામા આવી રહ્યાં છે ,આ સિવાય બાવળીયા, ઇન્દ્રનીલ, માડમ, પિરઝાદા સહિતની નેતાઓને સાંભળી તેની સાથે બેઠક કરી તેની રજૂઆતો પણ સાંભળવામાં આવશે.