અમેરિકા જવા માટે લોકો અનેક પ્રકારના નુસખાઓ અજમાવતા હોય છે, એવામાં કબૂતરબાજીની મદદથી અમેરિકા જવાનું કૌભાંડ બહાર આવ્યું છે. માણસાના ચરાડ ગામની મૂળ રહેવાસી મહિલાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહીઓ તેમજ પોતાનો ફોટો લગાવીને એક અન્ય મહિલા પાસપોર્ટ કઢાવી લીધો હતો. વિસનગરના દઢીયાળ ગામની મહિલાના નામે ૧૩ વર્ષ અગાઉ પાસપોર્ટ બની ગયો હતો. આ પાસપોર્ટ તેના જ કાકાની સાળની પુત્રીએ ખોટી સહી અને પાસપોર્ટ કઢાવી લીધો હોવાનું સામે આવ્યું છે. બોગસ સહી અને પાસપોર્ટ બનાવનારી આ મહિલા અમેરિકા પણ પહોંચી ગઇ છે.
આ મામલે ભોગ બનનાર મહિલાએ ગાંધીનગર પોલીસવડાને અરજી કરી હતી. આથી સત્ય હકીકત જાણવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને અરજીમાં યોગ્ય તપાસ કરવા માટે માંગ કરી હતી. અરજીના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા તેમાં સામે આવેલી હકીકત મુજબ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા.
તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર પાસપોર્ટમાં તમામ દસ્તાવેજ અને સહી અમેરિકા પહોચાનારી મહિલાના સાબિત થયા છે.-દસ્તાવેજ ભોગ બનનારી મહિલાના જ હતા તેવું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બોગસ પાસપોર્ટ બનાવી અમેરિકા ઉડી જનારી મહિલા ભોગ બનનારી મહિલાના કાકાની સાળીની દિકરી થાય છે. ભોગ બનનાર મહિલાના કાકા અશ્વિનભાઇ ઉંમર લાયક હોવાથી તેઓના ધરે કામ કરવા માટે અવાર-નવાર આવતી હતી. અશ્વિનભાઇનું મકાન સંયુક્ત હોવાથી ભોગ બનનાર મહિલાના ડોક્યુમેન્ટ તેમના પિયરમાં પડ્યા હતા અને આ ડોક્યુમેન્ટ ઇરાદા પૂર્વક ઉઠાવી તેમાં ખોટી સહી અને ફોટા લગાવી દઇ સફળતાપૂર્વક પાસપોર્ટ કઢાવી લઇ આરોપી મહિલા અમેરિકા ઉડી ગઇ હતી.
મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટનું મહત્વ સમજાવતો આ એક કિસ્સો ૧૩ વર્ષ બાદ બહાર આવ્યો છે. તે પણ ભોગ બનનાર મહિલાને પાસપોર્ટની જરૂરીયાત ઉભી થતા સમગ્ર કોભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે. પરંતુ આ વિસ્તારમાં ચાલતી ચર્ચાઓ અનુસાર હજુ કંઇ કેટલાય એવા લોકો હશે કે જેમના નામે વર્ષો અગાઉ પાસપોર્ટ કઢાવવાના નથી તેવા લોકો વિદેશોમાં પહોચી ગયા હશે. જે લોકો ક્યારેય પાસપોર્ટ કઢાવવાના નથી તેવા લોકોના નામે બનેલા પાસપોર્ટના નામે કેટલાય લોકો વિદેશ ઉડી ગયા હશે.