મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની શામળદાસ આર્ટસ કોલેજના યજમાન પદે ર૭મો આંતરકોલેજ યુથ ફેસ્ટીવલ શ્યામલ-ર૦૧૭નો આજરોજ સવારે દબદબાભેર પ્રારંભ થયો છે. એમ.કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન બોટાદ જિલ્લાની કોલેજો મળી આંતરકોલેજ યુથ ફેસ્ટીવલ ર૦૧૭ શ્યામલનો આજરોજ વિધિવત પ્રારંભ થયો હતો. આ યુવક મહોત્સવને લઈને સવારે નિલમબાગ સર્કલ ખાતેથી કલાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં કલાકારોએ વિવિધ કૃતિઓ વેશભુષા દ્વારા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ કલાયાત્રામાં નરેન્દ્ર મોદી સહિતના હમશકલોએ લોકોનું મનોરંજન કર્યું હતું. કોલેજની વિદ્યાર્થીનીઓ પરંપરાગત પોષાક, સાફા સાથે બુલેટ બાઈક પર ખુુલ્લી તલવાર સાથે અનોખો માહોલ સર્જ્યો હતો. કલાગુરૂઓ, પ્રોફેસરો, શિક્ષણવિદ્દોએ આ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા યુનિ.ના એમ્ફી થીયેટર ખાતે પહોંચી હતી. જ્યાં કુલપતિ શૈલેષ ઝાલા તથા આમંત્રિત મહેમાનોએ દિપ પ્રાગટ્ય કરી યુથ ફેસ્ટીવલનો પ્રારંભ કરાવ્યો હતો.