હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ૬ કલાકમાં ૫ ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અને રોડ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ફસાઈ ગયા હતા. જ્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે.
વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા ગત મોડી રાત્રીથી છુટા છવાયા ઝાપટાં સાથે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદની સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરત શહેરમાં ૬ કલાકમાં ૫ ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે કોલેજ સ્ટુડન્ટ અને નોકરીયાત વર્ગ ફસાઈ ગયા હતા. વરાછામાં બરોડા પ્રિસ્ટેજ ખાતે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સાથે સુરત જિલ્લામાં સૌથી વધારે વરસાદ ઓલપાડમાં ૨૧ મી.મી. અને સૌથી ઓછો કામરેજમાં ૨ મી.મી. પડ્યો હતો. જેની સામે શહેરમાં પણ સૌથી વધારે વરસાદ સેન્ટ્રલ અને રાંદેરમાં પડ્યો છે. જ્યારે સૌથી ઓછો કતારગામમાં પડ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની સપાટી ૨૮૫.૧૩ પર સ્થિર રહી હતી. ઇનફ્લો બંધ થયો હતો, પરંતુ આઉટ ફ્લો ૬૦૦ ક્યુસેક સાથે યથાવત રહ્યો છે.
શહેરમાં વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી છે. શહેરમાંથી પસાર થતી પાંચ ખાડીઓના લેવલમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે. કાકરા અને ભેદવાડ ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. જેથી લોકોમાં ખાડી પૂરની ચિંતા સતાવી રહી છે. કારણ કે અગાઉના વર્ષોમાં સુરતીઓને ખાડી પૂરનો અનુભવ છે.