ગુજરાત વિધાનસભામાં ૧૮૨નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. વિધાનસભામાં ૧૮૨ ધારાસભ્યો ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી વિધાનસભામાં ૧૮૨નો આંકડો યથાવત રહેતો નથી. ગુજરાતમાં ૧૪મી વિધાનસભા ફરીવાર ખંડિત થઈ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ રાજીનામું આપતા વિધાનસભાનો આંક ૧૮૧ થઈ ગયો છે. કુંવરજીના કારણે બીજીવાર વિધાનસભા ખંડિત થઈ છે. આ પહેલા ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કુંવરજીએ ધારાસભ્ય પદે રાજીનામું આપતા વિધાનસભા ખંડિત થઈ હતી.ગુજરાત વિધાનસભામાં ૧૮૨ બેઠકો છે.પરંતુ ભૂતકાળમાં એવા ઘણા બનાવો બન્યાં છે,જેમાં કોઇ ધારાસભ્યએ રાજીનામું આપવાથી અથવા તો કોઇ ધારાસભ્યના નિધનને કારણે ૧૮૨નો આંકડો ખંડિત થઈ ચૂક્યો છે.