અમદાવાદમાં ખૂબ ગાજેલા વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં પાંચ વર્ષની કાયદાકીય લડત બાદ સમાધાન થઈ ગયું છે. આ હિટ એન્ડ રનમાં મૃત્યું પામેલા શિવમ દવે (૨૫ વર્ષ) અને રાહુલ પટેલ (૨૧ વર્ષ)ના પરિવારે વળતર સ્વીકારી સમાધાન કરી લીધું છે. આ કેસમાં ટ્રાયલ કોર્ટે ૨૦૧૫માં વિસ્મય શાહને પાંચ વર્ષની જેલની સજા પણ ફટકારી હતી. તે હાલ જામીન પર જેલ બહાર છે.
ટ્રાયલ કોર્ટની સજા સામે વિસ્મય દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર વિરુદ્ધ વિસ્મય શાહ કેસની સુનાવણી દરમિયાન બંને મૃતકોના પરિવારોએ વિસ્મય શાહ સાથે સમજૂતી થઈ હોવાની એફિડેવિટ રજૂ કરી હતી. સમાધાન મુજબ મૃતકના પરિવાર વિસ્મય સામે હવે કોઈ ફોજદારી કાર્યવાહી આગળ નહીં વધારે. જ્યારે હાઇકોર્ટે કહ્યું છે કે અપીલનો ચુકાદો આપતી વખતે જ અદાલત સમાધાનની ફોર્મ્યુલા અંગે તેનો દૃષ્ટિકોણ જણાવશે. મૃતકોના પરિવાર તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરનારા વકીલ જીત ભટ્ટે જણાવ્યું હતું કે ‘બંને કુટુંબો એ બાબતને સારી રીતે સમજે કે તેમના સંતાનો પાછા આવવાના નથી ત્યારે વળતર સ્વીકારવું એ જ તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.’ આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને વિસ્મય કાર છોડીને ભાગી છૂટ્યો હતો.