ગાંધીનગરમાં ૧૯૮પ થી શરૂ થયેલી રથયાત્રા આ વખતે પણ ભગવાન જગન્નાથની ૩૪ મી ભવ્ય રથયાત્રા અસાઢ સુદ બીજ, શનિવારના રોજ નીકળશે. ૧૪ મી જુલાઈએ નિકળનાર આ રથયાત્રાનું સંપૂર્ણ આયોજન થઈ ગયું હોવાનું પત્રકારો સાથેની વાતચીતમાં આજે રથયાત્રા સમિતિએ જણાવ્યું હતું.
નવા ગાંધીનગરમાં અને નવા સેકટરોમાં રથયાત્રા જાય તે માટેની માંગણી હોવા છતાં સમિતીએ જણાવ્યું હતું કે, પંચદેવ યુવક મંડળ જે રથયાત્રા ખેંચે છે તે લોકો ૩ર કિ.મી. સુધી ચાલે છે, વળી ખેંચનાર યુવાનો અત્યારે ઉંમરલાયક થયા છે. નવા યુવાનો જોડાતા નથી જેથી હાલપુરતો રથયાત્રાના રૂટમાં માત્ર નજીવો ફેરફાર કે જલારામ મંદિરથી સીધી ર૮ ગાર્ડન લઈ જવાનો નિર્ણય કર્યો છે. બાકીનો રૂટ યથાવત પરંપરાગત રાખવામાં આવે છે. રથયાત્રા સાથે એમ્બ્યુલન્સની સેવા લેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
રથયાત્રામાં એક હાથી, ગોડાવાળી બગી, બેંડવાઝા, ૧ર ઉંટલારીઓ, પ૦ નાના-મોટા વાહનો મળીને ૭પ જેટલા વાહનો અને ૧પ ટેબ્લો સાથે લગભગ ર.પ કિ.મી. લાબી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં નિકળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રાનો બપોરનો વિરામ અને પ્રસાદની વ્યવસ્થા પરંપરાગત રીતે સેકટર – ર૯, જલારામ મંદિરમાં કરવામાં આવી છે.
જલારામ મંદિરના વ્યવસ્થાપક જીતેન્દ્રભાઈ રાજાણીના જણાવ્યા મુજબ આ વખતે પણ જલારામ બાપાના પ્રસાદ માટે જાહેર જનતાને આમંત્રણ છે. દર વર્ષે લગભગ આઠેક હજાર લોકો પ્રસાદ લેતા હોય છે અને સંસ્થા તરફથી ૭૦૦ કિલોનો શુધ્ધ ઘી નો મોહનથાળ બનાવવામાં આવે છે.
નગરના તમામ વસાહત મંડળો, શૈક્ષણિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને જુદા જુદા વેપારી એસોસીએશનો દ્વારા રથયાત્રાનો દર વર્ષની જેમ જ સત્કાર કરવામાં આવશે. રથયાત્રામાં વાહનો સામેલ કરવા માટે મોબાઈલ નં. ૯૮રપપ રર૦૪૩ પર રજનીભાઈ શર્માનો સંપર્ક કરવા જણાવાયું છે.