ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ઝટકો, ધારાસભ્ય વિક્રમ માડમની નારાજગી

2241

કોંગ્રેસના પીઢ નેતા કુંવરજી બાવળિયા બાદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી નારાજગી અનુભવતા ખંભાળિયાના કોંગી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ દ્વારા આગામી સમયમાં નવા જુની કરવાની ઉઠેલી ચર્ચાઓના પગલે  કોંગ્રેસમાં ફરી એકવાર કમઠાણ મંડાયું છે. બીજીબાજુ, નારાજ વિક્રમ માડમે પક્ષના મોવડીમંડળ દ્વારા તેમના પ્રશ્નોનું સંતોષજનક નિરાકરણ લાવી દેવાશે તેવી આશા વ્યકત કરી હતી. જો કોંગ્રેસ તરફથી તમારા પ્રશ્નોનું નિરાકરણ ના થાય અને બાવળિયાની જેમ પક્ષ છોડવાનો વારો આવે તો શું તમે પણ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશો તેવા પ્રશ્નના જવાબમાં વિક્રમ માડમે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, જીવનમાં કયારેય હું ભાજપમાં જોડાઇશ નહી કે ભાજપનો કેસરિયો ખેસ કયારેય ધારણ કરીશ નહી. તેમણે આગામી દિવસોમાં તેમના પ્રશ્નો અને સમસ્યાના મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાની પણ આશા વ્યકત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી અન્ય કેટલાક નેતાઓની માફક કોંગ્રેસના ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય અને જામનગર લોકસભા બેઠકના પૂર્વ સાંસદ તરીકે બે ટર્મ રહી ચુકેલા સિનિયર નેતા વિક્રમ માડમ પ્રદેશ પ્રમુખ અને તેની કિચન કેબીનેટથી નારાજ હોવાનું સ્પષ્ટ છે ત્યારે અને તાજેતરમાં જ રાજકોટના પૂર્વ સાંસદ અને કોંગી ધારાસભ્ય કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાની ઘટના બાદ વિક્રમ માડમ પણ અસંતોષ અને અન્યાયની લાગણી ધરાવતા હોય કંઇક નવા જુની કરવાની તૈયારીમાં કે વિચારણામાં હોવાની જોરદાર ચર્ચા ઉઠી છે. વિક્રમ માડમની નારાજગીને લઇ કોંગ્રેસની છાવણીમાં કોંગ્રેસની એકતા અને સંગઠનને જોડી રાખવાનો પડકાર ઉભો થયો છે તો, બીજીબાજુ, ભાજપ કોંગ્રેસના આંતરિક જૂથવાદ અને આક્રોશનો ફાયદો ઉઠાવી તેના નેતાઓને તોડવાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યું છે. જામનગર જિલ્લાના એક કોંગ્રેસી કાર્યકરે વિક્રમ માડમ સાથે કરેલી વાતચીતની ઓડીયો કલીપ ગઇકાલથી વાયરલ થઇ રહી છે.  આ ઓડીયો કલીપમાં કાર્યકર દ્વારા વિક્રમભાઇને એવું પુછતા દર્શાવાયા છે કે તમે રાજીનામુ આપવાના છો? કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવામાં છો? જો તમે કોંગ્રેસ છોડશો તો અમારા જેવા કાર્યકરો કે જેઓ તમારી નેતાગીરી ઉપર આધાર રાખે છે તેઓને પણ કોંગ્રેસ છોડવી પડશે. આ પ્રશ્રનો સામે માડમ એવો જવાબ આપતા સંભળાય છે કે, હું કેટલાક પ્રશ્નો પ્રદેશ પ્રમુખને કરવાનો છું તેમની પાસે મારા પ્રશ્નોનો જવાબ નહીં હોય તેથી કદાચ મને પક્ષમાંથી કાઢી મુકે અથવા મારે સ્વમાનભેર કોંગ્રેસ છોડી દેવાનો સમય આવે તેવી પણ શકયતા છે, પરંતુ હું એટલુ ચોકકસ કહી શકું કે હું કદી ભાજપમાં જઇશ નહીં. આ કલીપ બાદ વિક્રમ માડમે અન્ય મીડિયા સમક્ષ ભાજપમાં નહી જોડાવાની વાત સાફ કરી હતી. એટલું જ નહી, રાહુલ ગાંધીની ૧૦ દિવસ બાદ રાજકોટની મુલાકાત વેળાએ તેઓ ચોક્કસપણે તેમને મળશે અને સમગ્ર મામલે રજૂઆત કરશે તેવા સાફ સંકેતો આપ્યા હતા. સાથે સાથે તેમણે પક્ષના મોવડીમંડળ અને સ્થાનિક નેતાગીરી દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવાશે તેવી આશા પણ વ્યકત કરી હતી.

Previous articleરાજદ્રોહ કેસ : હાર્દિકને ૨૧ સુધીની મુદ્દત
Next articleજુદા જુદા ક્ષેત્રોમાં ૧૬થી વધુ MOU પર હસ્તાક્ષર થયા