મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે પશ્વિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વલસાડ અને સુરત ખાતે મુસાફરો અટવાઈ ગયા છે. દરમિયાન મુંબઈથી ગુજરાતમાં આવતી મોટાભાગની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જ્યારે મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો ઉમરગામ સુધી અલગ-અલગ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ડાઉન લાઈન પર ગુજરાત તરફ આવનારી તમામ ટ્રેન પ્રભાવિત થઇ હતી. પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બનના વસઈ -વિરાર સેક્શનના નાલાસોપારા રેલવે સ્ટેશનથી વિરાર રેલવે સ્ટેશનની વચ્ચે ટ્રેક પર પાણી ભરાવાને લીધે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. મુંબઈથી ડાઉનલાઇન તરફના લગભગ બધા જ સ્ટેશનો પર મુસાફરોની ભીડ જામી છે.
મહારાષ્ટ્રમાં પડેલા વરસાદને લીધે બાંદ્રા-ચંદીગઢ સુપરફાસ્ટ,સૂર્યનગરી એક્સપ્રેસ ,કર્ણાવતી એક્સપ્રેસ,અમદાવાદ ડબલ ડેકર ,અજમેર એક્સપ્રેસ અને દાદર-ભુજ એક્સપ્રેસ સહીત ૧૨ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેનો રદ કરવામાં આવતા મુસાફરોએ હાલાકી ભોગવવી પડી રહી છે. મુંબઈ તરફ જતી ટ્રેનોને ઉમરગામ સુધી અલગ-અલગ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી છે.