મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં અગરીયા વિસ્તારના શ્રમિકોના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘર આંગણે પૂરું પાડવાના પાયલોટ પ્રોજેક્ટ રૂપે સ્કૂલ ઓન વ્હીલ અંતર્ગત મોબાઈલ સ્કૂલ હરતી ફરતી શાળાનો આજે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય મંત્રીઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો છે. રૂપિયા ૩.૫૦ લાખના ખર્ચે આ મોબાઈલ સ્કૂલ માટે એક બસ સર્વ શિક્ષા અભિયાન દ્વારા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી રણના અગરિયા ભૂલકાઓ રણમાં તંબુ શાળામાં શિક્ષણ મેળવતા હતા. રણમાં અગરિયા ભૂલકાઓ હવે બસમાં શિક્ષણ મેળવશે. જૂની બસને મોડીફાય કરીને અત્યાધુનિક સુવિધા સાથેનો ૨૪ ભૂલકા બેસી શકે એવો ક્લાસ બનાવ્યો છે. આ બસને રણમાં રાત્રે લોકની સુવિધા પણ હશે. આ બસમાં પાછળની સાઇડમાં સીડી મુકવામાં આવશે. વર્ષની શરૂઆતમાં ટ્રેક્ટરની પાછળ એન્જીન વગરની આ બસને રણમાં સ્કુલના સ્થળે મુકવામાં આવશે અને વર્ષના અંતે આ બસને ટ્રેક્ટરમાં ટ્રોલીની જેમ આ સ્કુલના શિક્ષકની જે તે ગામની શાળાના કમ્પાઉન્ડમાં મુકવામાં આવશે. આ અંગે અગરિયા હિત રક્ષક મંચના હરણેશભાઇ પંડ્યાએ જણાવ્યું કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપેલા આદેશ મુજબ હવેથી રણમાં અગરિયા ભૂલકાઓને પીટીસી કે બી.એ, બી.એડ. શિક્ષકની સાથે બાલ દોસ્ત એમ બે જણા શિક્ષણનું ભાથું આપશે.