ખેતીની ઓન ફિલ્ડ પ્રવૃત્તિઓને મનરેગામાં સાંકળી લઇ ખેત પ્રવૃત્તિમાં કાર્યરત પરિવારોના ખેત મજૂરી કરનારા સભ્યોને મનરેગા હેઠળ વેતન અપાય અને જળસંગ્રહ માટે જળસંસાધનો-ખેતપેદાશોની યોગ્ય બજાર વ્યવસ્થા માટે બજાર-અઠવાડિક ખેડૂત બજાર-જમીનના પોષણ માટે ઓર્ગેનિક ઇનપૂટ ઉત્પાદન-પશુ શેડ જેવી બાબતોને મનરેગામાં સાંકળી લેવા સૂઝાવ મુખ્યમંત્રી રૂપાણીએ ખેતીની ઓન ફિલ્ડ પ્રવૃત્તિઓને પણ મનરેગામાં સાંકળી લઇ ખેત પ્રવૃત્તિમાં કાર્યરત પરિવારોના સભ્યો જે ખેતમજૂરી કરે છે તેમને મનરેગા હેઠળ વેતન આપવાનું પ્રેરક સૂચન કર્યું છે.
આ સંદર્ભમાં મનરેગાની માર્ગદર્શિકામાં ફેરફાર કરવા માટે પણ તેમણે હિમાયત કરી છે. મનરેગામાં કૃષિ ક્ષેત્રને સાંકળી લેવા માટેની નીતિ ઘડતરની ભલામણો માટે નીતિ આયોગ દ્વારા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓની સમિતિની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળેલી પ્રથમ બેઠકમાં વિજયભાઇ રૂપાણીએ આ સૂચનો કર્યા હતા. ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં સહભાગી થતાં રૂપાણીએ કૃષિ ક્ષેત્રના સંકલિત અભિગમને સાંકળી લઇ કૃષિ વિકાસ અને ખેડૂતોની આવક બમણી કરવાના મહત્વપૂર્ણ સૂઝાવ આ બેઠકમાં આપ્યા હતા.
મુખ્યમંત્રીએ જળ સંગ્રહ માટે સંસાધનો ઉભા કરવાથી લઇ ખેતપેદાશોની યોગ્ય બજાર વ્યવસ્થા માટે હાટ બજાર, અઠવાડિક ખેડૂત બજાર, કલેક્શન અને ગ્રેડિંગ-ર્સોટિંગ સેન્ટર, ઓન ફાર્મ સ્ટોરેજ ગોડાઉન સહિત જમીનના પોષણ માટે ઓર્ગેનિક ઇનપુટ ઉત્પાદન, વાડી યોજના, શેઢા પાળે વાવેતર, ઘાસચારા માટે વિકાસ કાર્યક્રમ, દુધાળા પશુઓ, ઘેટા-બકરા, મરઘા માટે શેડ, મત્સ્ય પાલન માટે તળાવ બનાવવાની કામગીરી, મશીનના ઉપયોગથી ઉત્પાદન કરતા ખેડૂત જુથ દ્વારા કાર્યરત એકમોને મનરેગા હેઠળ સાંકળી લેવા સહિતની બાબતો અંગે અગત્યના સુચનો કર્યા હતા.
સમિતીના અધ્યક્ષ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ અગત્યની ભલામણો સહિત આ ક્ષેત્રે વધુ બ્રેઇન ર્સ્ટોમિંગ માટે રિજિયોનલ વર્ક્શોપના આયોજન માટે સૂચવ્યું હતું. પ્રથમ બેઠકમાં થયેલ ભલામણો, તેના અમલ માટે રણનીતિ અને કૃષિ ક્ષેત્રે મનરેગાના સમાવેશ અંગે ચર્ચા માટે સમિતીની બીજી બેઠક ઓગષ્ટ માસના અંતે મળશે તેવું પણ આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં નિયત કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં વિજયભાઇ રૂપાણી (ગુજરાત), મમતા બેનરજી (પશ્ચિમ બંગાળ), યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), નીતિશ કુમાર (બિહાર) તથા ચંદ્રાબાબુ નાયડુ (આંધ્રપ્રદેશ) તથા પવન ચામલિંગ (સિક્કીમ) તથા આયોગના સભ્ય પ્રો. રમેશચંદનો સમાવેશ કરાયો છે.