દહેગામ પંથકમાં આજે સાંજે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. માત્ર એક કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ સર્જાયો હતો. જોકે રાત્રી દરમિયાન શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. માણસા પંથકમાં પણ વરસાદ હાથતાળી આપી જતાં જગતનો તાત ચિંતાતૂર જોવા મળી રહ્યો છે.આજે સાંજ બાદ વાતાવરણ બદલાયુ હતું.
સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય બફારાનો સામનો કરનાર નાગરિકોને સાંજે રાહત મળી હતી. દહેગામ અને ડભોડા પંથકમાં સાંજ બાદ ધોધમાર વરસાદ પડયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જોકે, જિલ્લાના બાકીનો વિસ્તાર કોરોધાકોડ રહ્યો હતો.
વરસાદ ખેંચાતાં છેલ્લા અનેક દિવસથી પ્રજાજનો ભારે ઉકળાટ ભર્યા માહોલનો સામનો કરી રહ્યા છે. છૂટાછવાટા ઝાપટાને બાદ કરતાં વરસાદ મનમુકીને ન વરસતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે આજે બપોર બાદ આકાશમાં એકાએક વાદળો ઘેરાતાં સારો વરસાદ પડવાની આશાઓ બંધાઈ હતી. પરંતુ મેઘરાજાએ દહેગામ અને ડભોડા પંથકને બાદ કરતાં જિલ્લામાં અનેક વિસ્તારોમાં હાથતાળી આપી હતી. દહેગામ શહેરમાં સાંજના ૬ થી ૭ દરમિયાન આશરે બે ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેના લીધે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં સમુદ્ર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા કરવામાં આવેલા આગોતરૂ આયોજન પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો.
હાઈવે પર પણ અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. તો અનેક દિવસથી ભારે ઉકળાટનો સામનો કરી રહેલા નગરવાસીઓએ વરસતા વરસાદમાં ભરપૂર ભીંજાવાનો આનંદ ઉઠાવ્યો હતો. બે ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળતી હતી.
છેલ્લા અનેક દિવસથી વરસાદની રાહ જોતા દહેગામ તાલુકાના ખેડૂતોમાં વાવણી લાયક વરસાદથી ખુશી જોવા મળતી હતી. તો બીજી તરફ ગાંધીનગરમાં વરસાદી માહોલ સર્જાયા બાદ વિજળી અને કડાકાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયા હતો પરંતુ વરસાદની આશાઓ ઠગારી નિવડી હતી અને માત્ર છુટાછવાયા છાંટા પડયા હતા. તેવીજ રીતે માણસા પંથકમાં પણ વરસાદ ન થતાં આ વિસ્તાર પણ કોરોધાક્કોર જોવા મળતો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ન થતાં ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો મંડરાઈ રહ્યા છે. વાવણીનો સમય વિતિ જવા છતાં મનમુકીને વરસાદ ન વરસતાં ચોમાસુ સિઝન નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગાંધીનગર તાલુકાના ડભોડા પંથકમાં પણ સાંજના સમયે વરસાદી માહોલ સર્જાયો હતો. આકાશમાં ઘેરાયેલા વાદળો મનમુકીને વરસતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. વિજળી અને કડાકા ભડકા સાથે એકધાર્યો એક કલાક સુધી સાંબેલાધાર વરસાદ વરસતાં ગામના માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
છેલ્લા અનેક દિવસથી વાવણી લાયક વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગામવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.