ભાવનગરમાં એફએમ રેડીયો સ્ટેશન શરૂ થશે

4347

ભાવનગર શહેરમાં આગામી ઓગષ્ટ માસથી એફએમ રેડીયો સેવાની શરૂઆત થાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. જો આ સેવા શરૂ થશે તો ભાવેણાવાસીઓની વર્ષો જુની માંગ સંતોષાઈ જશે. ભાવનગર શહેર તથા જિલ્લાના લોકો ખાસ કરીને યુવા વર્ગ વર્ષોથી ભાવનગરમાં એફએમ રેડીયોની સેવા પ્રાપ્ત થાય તે માટે સત્તાધીશો પાસે માંગ કરી રહ્યાં છે પરંતુ આજદિન સુધી આ ઈચ્છા ફળીભૂત થઈ નથી પરંતુ દેશના અનેક મહત્વપૂર્ણ મેગા શહેરોમાં તાજેતરમાં ટોપ એફએમનું સફળતાપૂર્ણ ટેસ્ટીંગ કર્યા બાદ આ કંપની દેશના અલગ-અલગ ર૦૦ જેટલા શહેરોમાં ઓગષ્ટ ર૦૧૮ના બીજા વિકથી ટોપ એફએમના નામે સેવા શરૂ કરવા જઈ રહી છે. જેમાં ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બિનસત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર એફએમ કંપની દ્વારા ભાવનગરમાં મહત્વપૂર્ણ તમામ કામગીરીઓ પૂર્ણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત રેડીયો સ્ટેશન માટે યોગ્ય જગ્યાની પસંદગી સાથે શહેરથી ૧૦૦ કિલોમીટરના એરીયા સુધીમાં સિગ્નલ ફ્રિકવેન્સીનું પરીક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

જો કે સમગ્ર બાબત અંગે સ્થાનિક તંત્ર બિલકુલ અજાણ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જો આ સેવા શરૂ થશે તો યુવા વર્ગમાં ભારે લોકપ્રિયતા પ્રાપ્ત થશે તેવું જણાઈ રહ્યું છે.

Previous articleસાગવાડીના બંધ મકાનમાંથી રોકડ અને ઘરેણાની તસ્કરી
Next articleસિહોરના વાંકીયાના ડુંગર પરથી વિશાળ શીલા પડી