ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસ પડેલા વરસાદના કારણે અનેક મકાનોની દિવાલો તેમજ મહાકાય વૃક્ષો ધરાશાઈ થયા હતાં. જેમાં આજરોજ બે બનાવો બન્યા છે. બરોડીગેટ પાસે વૃધ્ધાની ઓરડી ધરાશાઈ થઈ હતી. જયારે આનંદનગર પોલીસ કવાર્ટરમાં મકાન ધરાશાઈ થતાં ગાયનું મોત નિપજયું હતું.
બનાવની મળતી વિગત મુજબ શહેરના આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે પોલીસ કવાર્ટરમાં મકાન ધરાશાઈ થતાં બે ગૌવંશ દટાયાની જાણ મેયર મનભા મોરી અને કશ્યપભાઈએ ફાયર બ્રિગેડેને કરાતાં તુરંત ફાયર સ્ટાફ દોડી જઈ મકાનનો કાટમાળ હટાવી એક ખુટીયાને જીવીત બહાર કાઢયો હતો. જયારે બનાવમાં ગાયનું મોત નિપજવા પામ્યું હતું. તેમજ શહેરના શિશુવિહારથી બોરડીગેટ જવાના રસ્તે સવારના સમયે મોંઘીબેન કાળુભાઈ મલેખીયાની માલિકીની ઓરડી ધરાશાઈ થતાં ફાયર સ્ટાફ દોડી ગયો હતો. જો કે સહનસબીને કોઈ જાનહાની થવા પામી ન હતી.