જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી અમદાવાદ ગ્રામ્યના ઉપક્રમે ધંધુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા વિમલમાતા હાઈસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો જેમાં તાલુકાની ૨૧ જેટલી પ્રાથમિક માધ્યમીક ઉચ્ચ. મા.શાળાઓના ૩૮૯ જેટલી સ્પર્ધકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
દિપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભ ખુલ્લો મુકવામાં આવ્યો હતો કલા મહાકુંભના મુખ્ય મહેમાન પદે ધંધુકા ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ ઉપરાંત બી આર.સી. રઘુવીરસિંહ ચુડાસમા, સંસ્થાના ટ્રસ્ટી ફાધર ઈગ્નાસ, સ્કુલના આચાર્ય ફાધર લેજલી તેમજ સ્પેન દેશના વેલાસેકા પરિવારના ૭ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કલા મહાકુંભના તમામ સ્પર્ધકોને સંસ્થાના ટ્રસ્ટી ફાધર ઈગ્નાસ દ્વારા પ્રોત્સાહિત કર્યા હતો તો ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ પણ કલા મહાકુંભની ગાયન, વાદન, નૃત્ય અને એકટિંગ જેવી કૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા રાજ્ય કક્ષાએ પણ ઝળકી ઉઠવા આહવાન કર્યુ હતું. તાલુકા કલા મહાકુંભમાં હરીઓમભાઈ સોલંકી વી.એમ. પારગી જે.બી.રાણા, પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ, ભાવિનભાઈ સહિતના નિર્ણાયકોએ વિવિધ કૃતિઓ પ્રમાણે તટસ્થ રહી યોગ્ય નિર્ણય આપવાની ભૂમિકા અદા કરી હતી.