સમગ્ર વિશ્વના આર્થિક, સામાજિક, અને સાંસ્કૃતિક ઉત્કર્ષમાં સાગરનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. એ જ રીતે ભારતની કલા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવનાના સંદેશના પ્રસારણમાં ભારત અને ગુજરાતના સાગર(માર્ગ)નું મહત્વનુ યોગદાન રહ્યુ છે. ત્યારે સ્વચ્છ સાગર, સમર્થ ભારત, સુરક્ષિત સાગર, સમૃધ્ધ ભારતની ભાવના ચરિતાર્થ કરવા સાગર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા તા.૨૧ અને ૨૨ જુલાઇ દ્વિદિવસીય સીમા જાગરણ મંચ સાગર ભારતી દ્વારા ચિંતન શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ શિબિરના સમાપન પ્રસંગે ઉપસ્થિત ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, વિશાળ સાગર કાઠો ધરાવતા ગુજરાતની સાગર સીમા સમૃધ્ધ અને સુરક્ષિત બનેતે હેતુથી રાજય સરકારે મરીન પોલીસ સ્થાપવા આયોજન છે. સાગર સીમાઓના સુરક્ષા માટે રાજય સરકાર દ્વારા ગૃહ વિભાગને ફાળવેલ રૂપિયા ૫,૪૨૦/- કરોડના ખર્ચે કોસ્ટલ પોલીસ સ્ટેશન, દરિયાઇ પેટ્રોલીંગ માટે ૩૦, ૧૨ અને ૧૦ અલગ અલગ પ્રકારની બોટ કાર્યરત છે. મરીન ટાસ્ક ફોર્સ, જવાનોને તાલીમ બધ્ધ કરી દરીયાઇ સીમાઓની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવે છે.
રાજય સરકારે સાગર રક્ષક દળની પણ રચના કરી છે. સાગર સુરક્ષા માટે પોલીસદળ જેટલુ જ સાગર રક્ષક દળને ગૃહ વિભાગ દ્વારા મહત્વ અપાયુ છે. રાજય સરકારે દરિયાઇ સુરક્ષા અને દરિયાઇ સીમાના પ્રશ્નોના નિરાકરણ માટે દ્વારકા ખાતે ૧૦૦ એકર જમીન ફાળવવામાં આવી, જયા ટુંક સમયમાં યુનિવર્સિટી સ્થપાશે.
સાગર સીમાઓ સુરક્ષિત રાખવા સાથે પોલીસ તેમજ સાગર રક્ષક દળ માટે તત્કાલ સંદેશા વહેવાર માટે આધુનિક ટેકનોલોજીના સાધનો ઉપલબધ્ધ કરાયા છે.
આ ચિંતન શિબિરનો હેતુ સાગર કાંઠે વસતા લોકોમાં સાગર સીમાની સુરક્ષા, સાગર કાંઠે વસતા લોકોનો આર્થિક, સામાજિક વિકાસ આ વિસ્તારની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટેના ચિંતન કરવાનો છે. ૧૬૦૦ કિ.મીનો દરીયાઇ કાંઠો ધરાવતા ગુજરાતના સાગર ખેડુઓ અને આ વિસ્તારમાં ભૌતિક સુવિધાઓ પ્રસ્થાપિત કરવા સાથે સર્વાગી વિકાસ માટે સાગર ભારતી ગુજરાત પ્રાંત સંગઠન કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે સાગર ભારતી ગુજરાત પ્રાંતના સંયોજક બાબાભાઇ પંડયાએ સાગરની મહતા સમજાવી આ કુદરતી અમુલ્ય ભેટની કાંઠાના વિસ્તારનુ પર્યાવરણીય જતન કરી લાભ લેવાના ઉજળા સંજોગો વિશે માહિતી આપી હતી.
રધુકુળ વિધાલય ભાવનગર ખાતે યોજાયેલ સમાપન શિબિરમાં સાગર ભારતી ગુજરાત પ્રાંતના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ગોપાલકૃષ્ણજી, જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણા તેમજ શિબિરાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.