ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ : રાજપીપળા-નર્મદામાં ભારે વરસાદ

1177

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાનો દોર જારી રહ્યો છે. આજે રાજપીપળા અને નર્મદા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ મધ્યપ્રદેશ અને દક્ષિણ ઉત્તરપ્રદેશ ઉપર મોર્નિંગ લો પ્રેશરની સ્થિતિ સર્જાયેલી છે. સાથે સાથે એસોસિએટેડ અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પણ પ્રવર્તી રહી છે જેના લીધે વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. દરમિયાન રાજ્યમાં માનવ-પશુ મૃત્યુ સહાય પેટે એક કરોડથી વધુની રકમ ચુકવી દેવામાં આવી છે. આજે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે નર્મદા ડેમ અને ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. ગાંધીનગરમાં આજે વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠક યોજાઈ હતી જેમાં હવામાન વિભાગના નિયામક ડો. જયંત સરકારે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભારે વરસાદથી સંબંધિત બનાવોમાં કુલ ૪૫ લોકોના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા સહાય પેટે ૧૦૮ લાખની સહાયતા ચુકવવામાં આવી છે. આ ઉપરાંત ૩૨૪ પશુ મૃત્યુના કિસ્સામાં ૨૫ લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. ભારે વરસાદવાળા પાંચ તાલુકાઓમાં ૮૪૩૫ વ્યક્તિઓને કેશડોલ પેટે ૯ લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. ૫૬૨ લોકોને ઘરવખરી માટે છ લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. અશંત નાશ પામેલા કાચા મકાન માટે ૧૯૫ કેસમાં નવ લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. અશંત નાશ પામેલા પાકા મકાન માટે ૬૩ કેસમાં ૪ લાખથી વધુની સહાય ચુકવાઈ છે. ૩૪ કેસમાં ઝુંપડા સહાય માટે એક લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. સંપૂર્ણ નાશ પામેલા કાચા મકાન માટે ૩૪ કેસમાં પાંચ લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. સંપૂર્ણ નાશ પામેલા પાકા મકાનના કેસમાં ૧૫૩૦૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. રાહત નિયામક અને અધિક સચિવ કોઠારીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં એનડીઆરએફની કુલ ૨૦ ટીમોને એલર્ટ રાખવામાં આવી છે જે  પૈકી સોનગઢ, વલસાડ, ઓલપાડ, નવસારી, પાલનપુર, જેતપુર, ઉના, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગોધરા, દાહોદ, લુણાવાડા, મોડાસામાં એક-એક ટીમ રખાઈ છે.  વડોદરાના જારોડ કેમ્પમાં બે ટીમો તથા ગાંધીનગર હેડક્વાર્ટરમાં ચાર ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. વરસાદના કારણે અસરગ્રસ્ત તમામ ગામોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો છે. રાજ્યમાં એક નેશનલ હાઈવે, એક સ્ટેટ હાઈવે અને ૨૫ જિલ્લા-સ્થાનિક માર્ગો બંધ છે જેને શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

Previous articleતળાજાની આરાધ્યા વિદ્યાસંકુલમાં વૃક્ષારોપણ
Next articleરાજુલા યુવા ભાજપના મહામંત્રી તરીકે સાગર સરવૈયાની વરણી