ગુજરાતમાં ગરીબ ખેડૂતો પછી વ્યાજખોરનાં ત્રાસથી વડોદરામાં એક આશાસ્પદ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનો ભોગ લેવાયો છે. વડોદરા શહેરમાં ગુજરાતી ફિલ્મ સ્માઈલ કિલરનાં ડિરેક્ટરે ગળે ફાંસો લગાવીને આપઘાત કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ બનાવને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગુજરાતી ફિલ્મનાં ડિરેક્ટર હિતેશ પરમારે વ્યાજખોરનાં ત્રાસથી જીવન ટુંકાવ્યું હોવાની વિગતો સામે આવતાં વ્યાજખોરોના વિષચક્રનો મામલો હવે વધુ ચગ્યો છે. વ્યાજખોરનાં ત્રાસથી આપઘાત કર્યો હોવાની ચિઠ્ઠી મળી આવતાં પોલીસે તેના આધારે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતક ફિલ્મ ડિરેકટર હિતેશ પરમારના ત્યાંથી જપ્ત કરેલી સ્યુસાઇડ નોટમાં સ્થાનિક વ્યાજખોર ઉસ્માન પટેલ વ્યાજની ત્રાસજનક ઉઘરાણી કરતાં હોવાનો ઉલ્લેખ કરાયો હતો. સ્યુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ છે કે, ફરીથી જન્મ મળશે તો ઉસ્માનભાઈ તમને નહીં છોડું તેમ લખાયું હતું. આ સમગ્ર મામલે વરણામાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે અહીં અનેક પ્રકારનાં સવાલો ઉભા થાય છે. આ ઘટના બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઝ અને વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા વર્તુળોમાં એવા પ્રશ્નો પણ ઉભા થાય છે કે આખરે જીવલેણ વ્યાજખોરો સામે ક્યારે લગામ આવશે ? આખરે ક્યાં સુધી વ્યાજનાં વિષચક્રમાં હોમાતી રહેશે આવી અનેક જીંદગીઓ? ઉસ્માન પટેલ વિરૂદ્ધ ક્યારે થશે કાર્યવાહી? ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ કયારે અટકશે? વ્યાજખોરો કયાં સુધી જીવ લેતાં રહેશે? વ્યાજખોરો સામે ક્યાં સુધી દમ તોડતા રહેશે નિર્દોષો? જેવાં અનેક સવાલો આ ઘટનાને લઇ ઉભા થાય છે. મૃતક હિતેશ પરમારે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, સોરી.. પપ્પા અને મમ્મી મને માફ કરજો. હું કંટાળી ગયો હતો આ જીવનથી. પ્રિયંકા મને માફ કરજે. આમાં તારો કોઈ જ દોષ નથી. હું પોતે આ પગલું ઉઠાવું છું મારી રાજી ખુશીથી. ઉસ્માનભાઈ પટેલ (ઉસ્માન લોંગ) આ માણસને ૨ વર્ષથી પૈસા આપીને કંટાળી ગયો છું. બે વખત ઘરે બબાલ પણ કરી ચુકયો છે અને આજે ફરી બબાલ કરી. એ વ્યાજનાં પૈસા માંગ-માંગ કરે છે. જ્યારે મેં તેને કેટલાંય પૈસા આપી દીધા છે છતાં મને એ ધમકી આપ્યાં કરે છે. એની પાસે મારા ચેક છે એટલે ધમકી આપે છે, જ્યારે એને હું અત્યાર સુધી અઢી લાખ રૂપિયા વ્યાજ આપી ચુક્યો છું. થોડાં દિવસ પહેલાં જ મેં રૂ.૨૫ હજાર અને ત્યારબાદ રૂ.૨૦ હજાર આપ્યાં, તો પણ હજુ ૪૫ હજાર રૂપિયા માંગે છે. કોઈ કાનુન-કાયદામાં નથી કે છોકરાનું દેવું પપ્પા ચુકવે, તમે કોઈને એક પણ રૂપિયો આપતા નહીં. બધાં જ જુઠ્ઠાં છે. ધમકી આપે છે કે તારી સાસરીમાં ઈજ્જત કાઢી નાખીશું. એટલે આ પગલું ઉઠાવું છું. ઉસ્માન કાકા જો મને ફરી જન્મ મળ્યો તો હું તમને નહીં છોડું. લવ યુ મમ્મી અને પપ્પા, લવ યુ પ્રિયંકા, લવ યુ ફોઈ. સોરી પ્રિયા મને માફ કરજે મારી બેન, મમ્મી, પપ્પાની જવાબદારી હવે તારી. પ્રિયંકા તું બીજા લગ્ન કરી લેજે. ફોઈ મને માફ કરજો, જીજાજી મને માફ કરજો. પપ્પા-મમ્મીને સાચવજો. સોરી. સાચે હું સ્માઇલ કિલર છું. બધાની હસી હું લઈ જઉં છું પણ હું મજબુર છું. મને માફ કરજો. પપ્પા તમારા જેવાં પપ્પા બધાને મળે પણ મારા જેવો છોકરો કોઈને ના આપે.