ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાનો દોર જારી રહ્યો છે. કેટલીક જગ્યાઓએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે. દક્ષિણ પશ્ચિમ પવનો નિચલી સપાટી ઉપર હાલમાં ફુંકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે, હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ માટેની કોઇપણ ચેતવણી જારી કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત, દમણ દાદરાનગર હવેલી હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ગુજરાત પ્રદેશમાં અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજયમાં વરસી રહેલા વરસાદે વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૫ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ૮૦ મી.મી. એટલે કે ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૫-૦૭-૨૦૧૮ને સવારે ૭.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સંખેડા તાલુકામાં ૫૮ મી.મી., નીઝરરમાં ૫૨ મી.મી., નાંદોદમાં ૪૮ મી.મી. અને ભરૂચમાં ૪૭ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઈંચ અને ગરૂડેશ્વર, કુંકરમુંડા, જેતપુર-પાવી, સાગબારા, નેત્રંગ, ડેડીયાપાડા, તીલકવાડા, અંકલેશ્વર, વાલીયા, સુબીર, બોડેલી, નસવાડી અને વઘઈ મળી કુલ ૧૩ તાલુકાઓમાં એક ઈંચ અને અન્ય નવ તાલુકાઓમાં અડધો ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૮૯ ટકા જેટલો નોંધાયો છે.