વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૭ અને ૮ ઓક્ટોબર ગુજરાતની મુલાકાતે છે. પોતાની મુલાકાતના બીજે દિવસે તેઓ વડનગર અને ભરૂચની મુલાકાત લઈ રહ્યા છે. વડનગર નરેન્દ્ર મોદીનું વતન છે અને વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વાર વડનગરની મુલાકાત લઇ રહ્યાં હોવાથી આ મુલાકાત અત્યંત ખાસ બની જાય છે. પીએમના સ્વાગત માટે વડનગરમાં છેલ્લા બે દિવસથી તૈયારીઓ ચાલી રહી છે, વડનગરને સોળે શણગાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી રવિવારે પ્રથમ વખત વતન વડનગરમાં મેડિકલ કોલેજ રાષ્ટ્રને અર્પણ કરી છે. સાથે મિશન મેઘધનુષ્ય યોજનાનો શુભારંભ કર્યો છે. આ પછી આયોજન પછી વડાપ્રધાન એક જાહેરસભાને સંબોધન કરવાના હતા અને આ જાહેરસભા પહેલાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ટુંકું પ્રવચન આપ્યું હતું. આ પ્રવચનની શરૂઆતમાં જ તેમણે સભામાં હાજર રહેલા લોકોને સંબોધીને તેમને ભારત માતા કી જય બોલવાનું કહ્યું હતું અને જો તેઓ ન બોલે તો તેમને પોતાના સ્વજનના સમ છે એવી કમેન્ટ પણ કરી હતી. આમ, નાયબ વડાપ્રધાન નીતિન પટેલે લોકો પાસે ભારત માતા કી જય બોલાવવા અનોખી તરકીબ અજમાવી હતી.